Get The App

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
પટના સાહિબમાં દૃશ્ય બદલાયું,  ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ 1 - image


Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ફરી એકવાર NDAની સરકાર બનતી દેખાઈ રહી છે અને મોટાભાગના એક્ઝિટ પોલના અનુમાન સાચા પડી રહ્યા છે. જો કે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. ભાજપના સૌથી મજબૂત અને પરંપરાગત ગઢ ગણાતા પટણા સાહિબ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે શરુઆતી તબક્કામાં મોટી લીડ મેળવી લીધી હતી. જોકે હવે પટના સાહિબ જે ભાજપનું ગઢ કહેવાય છે તે મતવિસ્તારમાં પહેલા સંકટ બાદ હવે વલણોમાં દૃશ્ય બદલાતું દેખાય છે. 30માંથી 8 રાઉન્ડની ગણતરી બાદ હવે ભાજપના રતનેશ કુમાર કોંગ્રેસના શશાંત શેખરથી આગળ નીકળતા દેખાઇ રહ્યા છે. બંને વચ્ચે વોટનું અંતર વધીને 7000 જેટલું થઈ ગયું છે. જે ભાજપની તરફેણમાં આવી ગયું છે. 

પહેલા કોંગ્રેસ ઉમેદવાર 5000 વોટથી આગળ હતા

ભાજપ માટે ચિંતાની વાત એ હતી કે બે કલાકની મતગણતરી બાદ પટણા સાહિબ બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી. આ બેઠક પર ભાજપે આ વખતે 7 વખતના ધારાસભ્ય નંદકિશોર યાદવની જગ્યાએ યુવા ચહેરો રતનેશ કુમારને ટિકિટ આપી હતી જે ભાજપ માટે એક મોટી ભૂલ સાબિત થઈ શકે તેમ હતું. જોકે હવે આઠમા રાઉન્ડ સુધીમાં ભાજપની તરફેણમાં વોટ વધુ આવી જતાં દૃશ્ય બદલાઈ ગયું. કોંગ્રેસે આ બેઠક પરથી શશાંત શેખરને મેદાને ઉતાર્યા છે.

પહેલા બે રાઉન્ડની ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર શશાંત શેખરે 5000 વોટની લીડ મેળવી લીધી હતી. જો કે, ત્રીજા રાઉન્ડમાં આ અંતરાળ ઘટીને 3000 વોટની લીડ સુધી પહોંચી ગયો હતો.આ પરંપરાગત ભાજપની બેઠક પર કોંગ્રેસની આ શરુઆતી લીડ પક્ષ માટે ચિંતાનું કારણ બની હતી. જોકે 8મા રાઉન્ડ સુધીમાં ચિત્ર બદલાઈ ગયું. 

આ પણ વાંચો: પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ... જાણો હવે શું છે માંગ

જનસંઘના સમયથી ભાજપનો ગઢ

પટણા સાહિબ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી, જે અગાઉ પટણા પૂર્વી તરીકે ઓળખાતી હતી. આ બેઠક ભાજપની સૌથી મજબૂત બેઠકોમાંની એક ગણાય છે, જ્યાં પાર્ટી સૌથી ખરાબ સમયમાં પણ જીતતી આવી છે. 1995થી આ બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા નંદકિશોર યાદવનો સતત કબજો હતો. આ વખતે પાર્ટીએ તેમને બદલે રત્નેશ કુમાર પર વિશ્વાસ મૂક્યો છે.

ભગવા પક્ષ જનસંઘના ઘણાં સમયથી અહીં સત્તામાં છે. 1967 અને 1969ની ચૂંટણીમાં જનસંઘના રામદેવ મહતો અને 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીની ટિકિટ પર પણ રામદેવ મહતોએ જીત મેળવી હતી. આજે પટણા સાહિબમાં આ પરંપરાગત ગઢ ભાજપ જાળવી રાખે છે કે કોંગ્રેસ અહીં મોટો અપસેટ સર્જે છે, તેના પર સૌની નજર છે.

Tags :