Get The App

Ajit Pawar Plane Crash: હૉસ્પિટલની બહાર ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા NCP કાર્યકરો, પવાર પરિવાર રવાના

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
Ajit Pawar Plane Crash: હૉસ્પિટલની બહાર ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા NCP કાર્યકરો, પવાર પરિવાર રવાના 1 - image


Ajit Pawar Passes Away in Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તથા NCP નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડ કરતાં સમયે વિમાન ક્રેશ થયું. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ક્રેશ થયા બાદ ચાર્ટર્ડ પ્લેનમાં આગ પણ લાગી હતી. 

NCPના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ, NCP-SSPના સાંસદ સુપ્રિયા સુલે, અજિત પવારનો પરિવાર, તેમના પત્ની અને પુત્ર દિલ્હીથી બારામતી માટે રવાના થયા છે. અજિત પવારનો મૃતદેહ બારામતીની હૉસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેમના સમર્થકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 


વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો 

વડાપ્રધાન મોદીએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, બારામતી વિમાન દુર્ઘટનાથી ખૂબ દુ:ખી છું. અજિત પવાર જનતાના નેતા હતા. પાયાના સ્તરે મજબૂત જોડાણ ધરાવતા હતા. મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેનારા મહેનતુ વ્યક્તિ તરીકે તેમનું સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબ તથા પછાત લોકોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. તેમનું અકાળે અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.

રાષ્ટ્રપતિએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અનેક લોકોના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. અજિત પવારનું અકાળે અવસાન એ એક ન પૂરી શકાય તેવી ખોટ છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. હું તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે ઊંડી શોક સંવેદના વ્યક્ત કરું છું. 

મહારાષ્ટ્રના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, ભારત સરકારે પ્લેન ક્રેશ મામલે તપાસ કરાવવી જોઈએ જેથી દુર્ઘટનાનું કારણ જાણી શકાય.