Ajit Pawr and NCP News : મહારાષ્ટ્રના રાજકારણમાં જેનો ડર હતો એ જ થયું છે. અજિત પવારના અકાળે નિધન બાદ તેમની પાર્ટી NCPમાં મોટું ગાબડું પડ્યું છે અને પક્ષ બે જૂથમાં વહેંચાઈ ગયો છે. આ આંતરિક વિવાદને કારણે ભાજપની ચિંતામાં પણ વધારો થયો છે.
પાર્ટીમાં બે જૂથો વચ્ચે ખેંચતાણ
બુધવારે બારામતીમાં પ્લેન ક્રેશમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ તેમની NCPમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવાર જૂથ હવે બે હિસ્સામાં વહેંચાઈ ગયું છે. એક જૂથ એવું માને છે કે હવે શરદ પવાર સાથે પાછા જઈને પક્ષનું વિલીનીકરણ કરી દેવું જોઈએ, જ્યારે બીજું જૂથ સત્તાધારી મહાયુતિ (ભાજપ-શિવસેના) સાથે જોડાયેલા રહેવા માંગે છે.
એનસીપીના 3 મોટા નેતા ફડણવીસને મળવા પહોંચ્યા
બીજી બાજુ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબલ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચી ગયા હતા. અહીં મહત્ત્વપૂર્ણ બેઠકમાં અજિત પવારના જૂના વિભાગો નાણા, એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ અને રમત મંત્રાલય એનસીપીના ક્વોટામાં જ રાખવામાં આવે.
વિલીનીકરણની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું
સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, અજિત પવારના નિધન પહેલા જ બંને પક્ષો (શરદ પવાર અને અજિત પવાર જૂથ) ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં એક થવાની જાહેરાત કરવાના હતા. સૂત્રો મુજબ, 8 ફેબ્રુઆરીની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પૂણે અને પિંપરી ચિંચવડની સ્થાનિક ચૂંટણીઓ સાથે લડ્યા બાદ આ મર્જર નિશ્ચિત મનાતું હતું, પરંતુ અજિત પવારના જવાથી બધું જ વેરવિખેર થઈ ગયું છે.
ભાજપની ચિંતામાં કેમ થયો વધારો?
અજિત પવારના જૂથમાં પડેલા આ ભંગાણથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાજપ ઇચ્છે છે કે અજિત પવારનું જૂથ અખંડ રહીને મહાયુતિમાં જ ટકી રહે. જો આ જૂથ વિખેરાઈ જાય અથવા શરદ પવાર સાથે જતું રહે, તો મહાયુતિમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાનું વર્ચસ્વ અને શક્તિ વધી શકે છે, જે ભાજપ માટે રાજકીય ગણિત બગાડી શકે છે.
કોણ હશે અજિત પવારના ઉત્તરાધિકારી?
અત્યારે અજિત પવારની NCPમાં નેતૃત્વની મોટી ખાલીપો સર્જાયો છે. પક્ષના નવા અધ્યક્ષ તરીકે અજિત પવારના પત્ની સુનેત્રા પવારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જોકે, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે જેવા વરિષ્ઠ નેતાઓના નામની પણ ચર્ચા છે. પક્ષે હવે ઉતાવળે નિર્ણય લેવો પડશે, નહીંતર કાર્યકરો અને ધારાસભ્યોમાં વિખવાદ વધવાની પૂરી શક્યતા છે.


