Get The App

ઓપરેશન સિંદૂરની ગુપ્ત માહિતી પાક.ને આપનારા નેવીના ક્લાર્કની ધરપકડ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
ઓપરેશન સિંદૂરની ગુપ્ત માહિતી પાક.ને આપનારા નેવીના ક્લાર્કની ધરપકડ 1 - image


- ત્રણ વર્ષ જૂના કેસ પર નજર રાખતી એજન્સીએ નવો જાસૂસ શોધી કાઢ્યો

- ઓપરેશન સિંદૂરની વિગતોના બદલામાં ક્લાર્ક વિશાલ યાદવને 50 હજાર રૂપિયા મળ્યા હતા : પાક. પાસેથી કુલ બે લાખ લીધા

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપનારો નેવી ક્લાર્ક ઝડપાયો છે. પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતાં આ ક્લાર્ક વિશાલ યાદવે ક્રિપ્ટોકરન્સીમાં બે લાખ રૂપિયા લીધા હતા. આ ક્લાર્ક નેવીના દિલ્હી સ્થિત હેડક્વાર્ટરમાં કામ કરતો હતો અને ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને મોકલતો હતો.

સીઆઈડી સિક્યોરિટીના પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ વિષ્ણુકાંત ગુપ્તાએ આખી ઘટના જણાવી એ પ્રમાણે ૨૦૨૨ના એક જૂના કેસ પર એજન્સી નજર રાખતી હતી. રાજસ્થાનનો રવિ પ્રકાશ મીણા ૨૦૨૨માં પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઝડપાયો હતો. તેણે ક્રિપ્ટોમાં રકમ મેળવી હતી. એની ક્રિપ્ટો લિંક પર નજર રાખવાથી આ જાસૂસ ઝડપાયો હતો. બંનેને એ એક જ ક્રિપ્ટો લિંક પરથી પેમેન્ટ કરાયું હતું.

વિશાલ યાદવ હરિયાણા રેવારી જિલ્લાના પુન્શિકા ગામનો વતની છે. દિલ્હી સ્થિત નેવીના હેડક્વાર્ટરમાં કામ કરતા વિશાલ યાદવને ઓનલાઈન ગેમિંગનો ચસ્કો હતો. એ ઓનલાઈન ગેમ્સ રમતો હતો એ દરમિયાન જ પાકિસ્તાનની પ્રિયા શર્મા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. એ ખરેખર તો ફેક એકાઉન્ટ હતું. ત્રણ વર્ષ પહેલાં તે ફેસબુકમાં એના સંપર્કમાં આવ્યો હતો અને પછી વોટ્સએપ ને ટેલિગ્રામમાં બંને વચ્ચે ચેટ થતી હતી. તેને નાની-નાની વિગતો આપવાના બદલામાં પાંચ-સાત હજારની રકમ મળતી થઈ પછી એણે મહત્ત્વની વિગતો આપવાનું શરૂ કર્યું હતું.

ઓપરેશન સિંદૂરની ગુપ્ત વિગતો આપવાના બદલામાં વિશાલ યાદવને ક્રિપ્ટોમાં ૫૦ હજાર રૂપિયા મળ્યા હતા. ધરપકડ પછી પાકિસ્તાનના આ જાસૂસે સ્વીકાર્યું હતું કે તેને અત્યાર સુધીમાં કુલ બે લાખ રૂપિયા જેવી રકમ મળી હતી. એનો વહીવટ પ્રિયા શર્મા નામના એકાઉન્ટથી થતો હતો. જે ખરેખર તો પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈના કોઈ એજન્ટ હતો.

તેના સોશિયલ મીડિયા પર નજર રાખવાથી તપાસ એજન્સીઓને ઘણી જાણકારી મળી હતી. દેશની તપાસ એજન્સીઓને તેના મોબાઈલમાંથી સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. એ પછી તેનો મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેને ૩૦મી જૂન સુધી પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. 

Tags :