National News: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણની ભાષણ દરમિયાન જીભ લપસી જતાં વિવાદ છંછેડાયો છે. તેમની ટિપ્પણી પર બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે વીડિયો જાહેર કરી તંજ કસ્યો છે. એક દિવસ પહેલા રવીન્દ્ર ચવ્હાણ લાતૂરમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા હતા જ્યાં લોકોનો ઉત્સાહ જોઈ કહ્યું હતું કે હું 100 ટકા કહું છું કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે. વિલાસરાવ દેશમુખ રિતેશ દેશમુખના પિતા તેમજ કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. આ નિવેદન પર રિતેશ દેશમુખે એક નાનો વીડિયો શેર કર્યો હતો, અને હાથ જોડી ભાવુક અંદાજમાં એક જ લાઇન કહી હતી બાદમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષે માફી માંગવી પડી હતી.
'જે લોકો જનતા માટે જીવે છે' અભિનેતાની ભાવુક ટકોર
અભિનેતા રિતેશ દેશમુખે વીડિયો શેર કરતાં બે હાથ જોડી બોલ્યા કે' હું બસ એટલું જ કહેવા માગું છે કે જે લોકો જનતા માટે જીવે છે, તેમના નામ લોકોના હ્રદયમાં છાપ છોડે છે. લખેલી વસ્તુઓ ભૂંસાઈ જાય છે પણ જે ઊંડી છાપ છે તે નહીં' અભિનેતાએ મરાઠી ભાષામાં કરેલી આ અપીલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો ભાજપ નેતા રવીન્દ્ર ચવ્હાણની ઝાટકણી કાઢી રહ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસ નેતા વિલાસરાવ દેશમુખ આ દુનિયામાં નથી રહ્યા છતાં પણ આજે લાતૂરમાં તેમણે લોકો સન્માનથી યાદ કરે છે. કોંગ્રેસ પાર્ટીએ ભાજપ નેતાના આ નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરી છે. NCP અજીત પવાર જુથના કેટલાક નેતાઓએ વિલાસરાવ દેશમુખ પર ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે.
ઉત્સાહમાં શું બોલી ગયા ભાજપ નેતા?
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ લાતૂરમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે ભાજપ સમર્થકોની ઉર્જા અને પ્રતિબદ્ધતાથી દેખાય છે કે આ ક્ષેત્રમાં પાર્ટી આસાનીથી જીત મેળવી લેશે, આ દરમિયાન તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની સ્મૃતિ લોકોના મનમાં ભૂંસાઈ ગઈ છે તેવી વાત કરતાં કહ્યું હતું કે ' બેઠેલા તમામ લોકો હાથ ઉપર કરે અને કહે ભારત માતા કી જય, તમારો ઉત્સાહ જોઈ કોઈ પણ કહી શકે છે કે વિલાસરાવ દેશમુખની સ્મૃતિ આ શહેરમાંથી ભૂંસાઈ જશે, તેમાં કોઈ શંકા નથી', જે બાદ રિતેશ દેશમુખે એક નાનો વીડિયો જાહેર કરી પિતાને યાદ કર્યા હતા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષને માફી માંગવાનો વારો આવ્યો હતો.
'ભાજપ પાસેથી આવી ટિપ્પણીની અપેક્ષા ન હતી'
વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, તે બે વાર 1999 થી 2003 અને 2004 થી 2008 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીના દીકરા અમિત દેશમુખે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'ભાજપ પાસેથી આવી ટિપ્પણીની અપેક્ષા ન હતી. તેમણે સમગ્ર લાતૂરના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે.


