લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

National News: પંજાબમાં ખન્નાના માછીવાડા વિસ્તારના વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને બ્લોક પ્રમુખ પરમિંદર તિવારીની હત્યા કરવામાં આવી છે. રવિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે બે અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું છે.
બે અજ્ઞાત હુમલાખોરોએ કર્યો હુમલો
માહિતી મુજબ, પરમિંદર તિવારી પોતાના ગામ હાડિયાંમાં આવેલા ઘરમાં ખુરશી પર બેસીને ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઈકલ પર સવાર બે અજ્ઞાત હુમલાખોરો ત્યાં પહોંચ્યા હતા. તેમાંથી એકના હાથમાં કુહાડી હતી, જેણે આવતાની સાથે જ તેમના માથા પર અનેક ઘા ઝીંકી દીધા હતા.
રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું
હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને નીચે પડી ગયા હતા અને લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો તેમને તાત્કાલિક માછીવાડા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી તેમની ગંભીર હાલત જોતા તેમને લુધિયાણા રેફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. પરમિંદર તિવારીના પુત્રએ મીડિયાને જણાવ્યું કે, 'મેં આવીને જોયું તો પપ્પા નીચે લોહીથી લથપથ પડ્યા હતા. તેમના માથા પર કોઈ મારીને જતું રહ્યું. બે લોકો હતા જે લુધિયાણા તરફ ગયા હતા.'
પ્રત્યક્ષદર્શીએ કહ્યા આંખો દેખ્યા હાલ
હત્યાના એક પ્રત્યક્ષદર્શીએ આખી ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'તિવારીજી દરરોજ જ્યાં બેસતા હતા, આજે પણ ત્યાં જ આવીને બેઠા હતા જ્યાં તેમના માથા પર કુહાડી વડે વાર કરવામાં આવ્યો. બે લોકો હતા, કુહાડી મારી, માણસો ઓળખાયા નથી, નામ નથી જાણતા પણ ચહેરો જોઈને ઓળખી શકાય છે. મેં જ્યારે જોયું ત્યારે તેઓ માથા પર મારી રહ્યા હતા. મેં ઘણી કોશિશ કરી પણ તેઓ બે લોકો હતા અને તેમના હાથમાં કુહાડી હતી. મારી પાસે હથિયાર ન હતું. મેં જેવું જોયું કે તરત જ 100 નંબર પર ફોન કર્યો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં.'
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે શોક વ્યક્ત કર્યો
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે માછીવાડા સાહિબના બ્લોક પ્રમુખ પરમિંદર તિવારીની દિનદહાડે થયેલી હત્યા પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રાજા વરિંગે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ પરમિંદર તિવારીની હત્યાથી સ્તબ્ધ છે. તેમણે તિવારીજીને કોંગ્રેસ પરિવારના એક મહેનતુ અને અભિન્ન અંગ ગણાવ્યા હતા. તેમણે દુઃખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. જે બાદ રાજા વરિંગે રાજ્યની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સતત કથળી રહી છે, પરંતુ સરકાર ઘોર નિદ્રામાં છે.









