રામમંદિર માટે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું ગઠન, જાણો કોણ હશે સભ્યો
અયોધ્યા, તા. 05 ફેબ્રુઆરી 2020, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિરનો સમગ્ર પ્લાન જણાવ્યો, તેમણે જાહેરાત કરી કે, રામમંદિર માટે બનનારા ટ્રસ્ટનું નામ 'શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' હશે. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે, 15માંથી એક સભ્ય દલિત સમુદાયમાંથી હશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવનારા લોકોમાં એડવોકેટ કે. પરાશરણ, કામેશ્વર ચૌપાલ, મહંત દિનેદ્ર દાસ અને અયોધ્યા રાજ પરિવાર સાથે જોડાયેલા વિમલેંદ્ર મોહન પ્રતાપ મિશ્રા જેવા નામ મુખ્ય છે. લાંબા સમયથી ચાલી આવતા અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે રામલલાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, તેઓ રામમંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કરે. જે આદેશ હેઠળ સરકારે ટ્રસ્ટનું ગઠન કરી કેન્દ્ર સરકારે તેનું નામ 'શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટ રાખ્યું. સુપ્રીમ કોર્ટના આદેશ પર ભારત સરકારે રાજપત્ર જાહેર કરીને કહ્યું કે, વિવાદિત સ્થળના આંતરિક અને બાહ્ય સ્થળનો કબ્જો ન્યાસને સોંપી દેવામાં આવ્યો છે. સાથે જ તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર અને ટ્રસ્ટ સ્કીમ હેઠળ ભૂમી પર વિકાસ કરાવશે. આ ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે જેમાંથી એક દલિત સમાજમાંથી હશે.