નૈનિતાલમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ હિંસા, બજાર-સ્કૂલો બંધ, લોકોએ તોડફોડ મચાવી
Rape in Nainital: ઉત્તરાખંડના નૈનિતાલમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ ગઈકાલ રાતથી તણાવ છે. આરોપ એ છે કે 76 વર્ષીય ઉસ્માન લાંબા સમયથી છોકરી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. જેને લઈને બુધવારે રાત્રે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો. મધ્યરાત્રિએ તોડફોડ અને પથ્થરમારા બાદ ગુરુવારે પણ તણાવની સ્થિતિ છે.
મોટાભાગની શાળાઓ, કોલેજો અને બજારો બંધ છે. પોલીસનો ભારે બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો અને વકીલોએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે સરઘસ કાઢ્યું હતું.
સ્થાનિક લોકોએ કરી તોડફોડ
બુધવારે મોડી રાત્રે, ઉસ્માન નામના વ્યક્તિ પર કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલાની માહિતી મળતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. ગુસ્સે ભરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી અને લોકો પર હુમલો કર્યો. મલ્લીતાલ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ મસ્જિદ પર પથ્થરમારો કર્યો. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબુમાં લીધી હતી.
આ પણ વાંચો: સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી, ભારત છોડવા માટે હવે આપ્યો આટલો સમય
પોલીસે તોડફોડ અને પથ્થરમારો કરનારાઓ પર લાઠીચાર્જ કર્યો
વિરોધ કરનારાઓએ ગુરુવારે બજાર બંધ રાખવાનું એલાન કર્યું હતું. સવારથી જ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે DSB કેમ્પસ સહિત ઘણી શાળાઓને પણ બંધ રાખવામાં આવી છે. પોલીસે તોડફોડ અને પથ્થરમારો કરનારાઓ પર લાઠીચાર્જ કર્યો.