'પાકિસ્તાનથી આવેલી લાગે છે....' IAS ફૌજિયા અંગે ભાજપ નેતાની ટિપ્પણીથી છંછેડાયો વિવાદ
BJP Leader N. Ravikumar Controversial Statement about IAS fauzia: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના એમએલસી એન. રવિકુમારના નિવેદનથી વિવાદ સર્જાયો છે. જિલ્લા કલેક્ટર ફૌઝિયા તરન્નુમ અંગે તેમણે કહ્યું કે, 'તે પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે.' આ નિવેદન બાદ કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે અને ભાજપ પર સાંપ્રદાયિક તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે.
બીજેપીના નેતાના નિવેદન પર થયો વિવાદ
રવિકુમાર 24 મેના રોજ ભાજપના કલબુર્ગી ચલો અભિયાનના ભાગ રૂપે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે જિલ્લા વહીવટીતંત્ર કોંગ્રેસ સરકારના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યું છે. એન. રવિકુમારે કહ્યું કે, 'કલબુર્ગી ડીસી ઓફિસે પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. ડીસી મેડમ ફક્ત તે જ સાંભળી રહ્યા છે જે કોંગ્રેસ કહી રહી છે. મને ખબર નથી પડતી કે ડીસી પાકિસ્તાનથી આવ્યા છે કે અહીંના IAS અધિકારી છે.'
ફૌઝિયા તરન્નુમ હાલમાં કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર હેઠળ કલબુર્ગીના જિલ્લા કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ભલે તેઓ રાજકીય ઘટનામાં સીધા સામેલ નથી, પરંતુ વધતા તણાવ વચ્ચે જિલ્લાના વહીવટી વડા તરીકેની તેમની ભૂમિકા રાજકીય ચર્ચામાં આવી છે.
વાતાવરણ બગાડવાનો પ્રયાસ - કોંગ્રેસ
વિરોધ પ્રદર્શન અને રવિકુમારની ટિપ્પણીની આકરી ટીકા કરતા, કોંગ્રેસના નેતા અને રાજ્ય મંત્રી શરણ પ્રકાશ પાટીલે ભાજપના નેતાઓ પર તણાવ ઉશ્કેરવાનો અને વહીવટનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. પાટીલે કહ્યું, 'આ વાતાવરણને ઉશ્કેરવાનો અને સાંપ્રદાયિક બનાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.' પોતાની ફરજો બજાવતા અધિકારી વિરુદ્ધ આવા નિવેદનો અસ્વીકાર્ય છે. જોકે, આ મામલે કલેક્ટર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.