ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી
- સાવરકરની બદનક્ષીના કેસમાં પુણે કોર્ટમાં રાહુલની રજૂઆત
- ફરિયાદીના વંશવેલા સાથે જોડાયેલા હિંસાના ઈતિહાસને જોતાં પોતાના પર જોખમ છે એવી રજૂઆત સાથે સરકારી રક્ષણ માગ્યું
મુંબઈ : સાવરકરના વંશજ સત્યકી સાવરકરે કરેલા બદનક્ષીના કેસ અને રાજકીય લડતને ધ્યાનમાં રાખીને પોતાનાજીવને જોખમ હોવાનું કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં જણાવ્યું હતું.
કેસની સુનાવણી કરી રહેલી વિશેષ કોર્ટે સલામતીની અને કેસની ન્યાયસભર કાર્યવાહીની ચિંતાની નોંધ લીધી હતી. ગાંધીએ રાજ્ય સરકાર તરફથી સાવચેતીના પગલાંરુપે રક્ષણ પણ માગ્યું હતું. રક્ષણ આપવાની સરકારની બંધારણીય ફરજ છે, એમ જણાવાયું હતું.
અરજીમાં એમ પણ જણાવાયું હતું કે ૨૯ જુલાઈએ સત્યકી સાવરકરે દાખલ કરેલા લેખિત નિવેદનમાં કબૂલ્યું હતું કે તેઓ મોસાળ તરફથી નથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના સીધા વંશજ છે. ગોડસે મહાત્મા ગાંધીની હત્યામાં મુખ્ય આરોપી હતા. નિવેદનમાં એવો પણ દાવો કર્યો છે કે વિનાયક દામોદર સાવરકરના પણ તેઓ વંશજ છે.
ફરિયાદીના વંશવેલા સાથે જોડાયેલા હિંસાના ઈતિહાસ અને ગેરબંધારણીય પ્રવૃત્તિને જોતાં સ્પષ્ટ વ્યાજબી અને ગંભીર રીતે રાહુલ ગાંધીને જોખમ જણાય છે. મહાત્મા ગાંધીની હત્યા ચોક્કસ વિચારધારાના ભાગ રુપે ઘડાયેલાં કાવતરાનું ગણતરીભર્યું પગલું હતું એમ અરજીમાં જણવાાયું હતું.
વિપક્ષનો રોષ વહોરી લઈને ૧૧ઓગસ્ટે સંસદમાં વોટ ચોર સરકારના સૂત્રોચ્ચાર સહિત ગાંધીએ તાજેતરના કરેલા હસ્તક્ષેપની વિગત પણ અરજીમાં અપાઈ હતી. સાચો હિંદુ ક્યારેય હિંસક નથી હોતો. હિન્દુ વેરભાવ ફેલાવતા નથી. ભાજપે જ હિંસા અને વેરભાવ ફેલાવ્યા છે તમે હિન્દુના પ્રતિનિધિ નથી, એવું ભાષણ સંસદમાં આપ્યું હોવાનો પણ રાહુલની અરજીમાં ઉલ્લેખ કરાયો હતો.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ તરત પ્રેસ કોન્ફરન્સ યોજીને હિન્દુ સમુદાયનું અપમાન કર્યું હોવાનો આરોપ કર્યો હતો અને પોતાના પદની ગરીમા ઝાંખી કરી હોવાનું જણવાયું હતું.
ગાંધીને દેશના એક નંબરના આતંકવાદી ગણાવીને કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ આપેલી ધમકી અને ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાહે આપેલી ધમકીને પણ ટાંકી હતી.
ઉલ્લેખનીય છે કે લંડનમાં માર્ચ ૨૦૨૩માં પોતાના ભાષણમાં ગાંધીએ કરેલા કથિત વાંધાજનક નિવેદનને લઈને સત્યકી સાવરકરે કેસ કર્યો હતો. સાવરકરના પુસ્તકમાં મુસ્લિમ શખસની મારપીટ કરવાથી આનંદ થયો હોવાનો ઉલ્લેખ છે એમ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું. આવું કોઈ લખાણ અસ્તિત્વમાં નહોવાનો સત્યકીઅ ેદાવો કરીને બદનક્ષીનો કેસ કર્યો હતો. કોર્ટે ૧૦ સપ્ટેમ્બરે વધુ સુનાવણી રાખી છે.