જોખમ ઉઠાવવાની મારી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થયો નથી : મોદી
- વડાપ્રધાન મોદીનો ઝીરોધાના સ્થાપક સાથે ડેબ્યુ પોડકાસ્ટ
- મહાત્મા ગાંધીએ ક્યારેય ટોપી પહેરી નહીં, પરંતુ આખી દુનિયા ગાંધી ટોપી પહેરતી, સારો દેખાવ કે વક્તા નહીં છતાં દેશ પાછળ ઊભો રહ્યો
- હું માણસ છું, ભગવાન નથી, હું પણ ભૂલો કરું છું, પરંતુ ખરાબ ઈરાદાથી ક્યારેય કામ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો
- મને 'તું' કહેનાર હવે કોઈ રહ્યું નથી, સીએમ બન્યા પછી મિત્રોને બોલાવ્યા, હું તેમનામાં મિત્રો શોધતો રહ્યો અને તેમને મુખ્યમંત્રી દેખાયા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત શેર ટ્રેડિંગ એપ ઝીરોધાના સ્થાપક નિખિલ કામથ સાથે પોડકાસ્ટની દુનિયામાં પ્રવેશ કર્યો છે. કામથે શુક્રવારે આ પોડકાસ્ટનો વીડિયો તેમના પ્લેટફોર્મ પર જાહેર કર્યો હતો. પહેલા જ પોડકાસ્ટમાં પીએમ મોદીએ દુનિયામાં ફેલાયેલી અશાંતિ, ડિજિટલ ઈન્ડિયા, વન ઈન્ડિયા મિશન જેવી તેમની પહેલો તેમજ તેમના જીવનના અનેક પાસાઓ પર વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, જોખમ લેવાની તેમની ક્ષમતાનો હજુ પૂર્ણરૂપે ઉપયોગ થયો નથી. આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બાળપણના પન્ના ઉજાગર કરતા કહ્યું કે, તેમણે જીવનમાં અનેક ઝટકા સહન કર્યા છે, જેના કારણે હું કોઈપણ જોખમ ઉઠાવવા તૈયાર રહું છું. હું ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં રહ્યો નથી. મારું નસીબ એવું રહ્યું કે, હું ક્યારેય કમ્ફર્ટ જોનમાં જીવ્યો નથી. કદાચ મને ખબર હતી કે હું આરામ માટે યોગ્ય નથી.
પોડકાસ્ટમાં ઈન્ટર્વ્યૂની શરૂઆત કરતા નિખિલ કામથ કહે છે, હું અહીં તમારી સામે બેસીને વાત કરી રહ્યો છું, પરંતુ મને ગભરાટ થઈ રહ્યો છે. આ મારા માટે મુશ્કેલ વાતચીત છે. ત્યાર પછી પીએમ મોદી કહે છે, આ મારો પહેલો પોડકાસ્ટ છે. મને નથી ખબર કે તમારા દર્શકોને તે કેવો લાગશે.
પીએમ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અપાયેલું પહેલું ભાષણ યાદ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ખરાબ ઈરાદા સાથે ક્યારેય કશું જ નહીં કરે. તેઓ આકરી મહેનત કરવામાં જરા પણ પાછા નહીં પડે. હું મારા માટે કશું નહીં કરું. હું માણસ છું. હું પણ ભૂલો કરું છું, પરંતુ હું કામ કરતો રહીશ. ક્યારેય ખોટા ઈરાદાથી કશું નહીં કરું એ મારો જીવનમંત્ર છે.
આજના યુગમાં મહાત્મા ગાંધીની પરિભાષા અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, ગાંધીજી દુબળા-પાતળા હતા, તેઓ સારા વક્તા પણ નહોતા. આમ છતાં, તેમની પાછળ આખો દેશ ઊભો રહી ગયો હતો. તેનું કારણ તેમની જીવંતતા હતી. વધુમાં રસપ્રદ બાબત એ પણ છે કે ગાંધીજી ક્યારેય ટોપી નહોતા પહેરતા, પરંતુ આખી દુનિયા ગાંધી ટોપી પહેરતી હતી. તેઓ ક્યારેય સત્તામાં બેઠા નહીં, પરંતુ નિધન પછી જે તેમની જ્યાં સમાધી બની તે રાજઘાટ બની ગયો.
પીએમ મોદીએ ગોધરાના રમખાણો પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, મને ધારાસભ્ય બન્યાને ત્રણ દિવસ પણ નહોતા થયા. આ સમયે ગોધરામાં રમખાણો થઈ ગયા. આ સમાચાર મળતા જ મેં ગોધરા જવાનો નિર્ણય કર્યો. મેં નરી આંખે ગોધરાની હકીકત જોઈ. તેની તસવીરો અત્યંત દયનીય હતી. હું જવાબદારી ઉઠાવીને ગોધરા ગયો. સરકારી અધિકારીઓ શરૂઆતમાં મને ત્યાં લઈ જવા માગતા નહોતા, કારણ કે તે સમયે સરકાર પાસે સિંગલ એન્જિનવાળું હેલિકોપ્ટર હતું. તેનાથી વીઆઈપીને લઈ જવાતા નહોતા. મેં કહ્યું, હું વીઆઈપી નથી, સામાન્ય માણસ છું.
ગોધરામાં પાંચ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે સુરક્ષા દળોએ સુરક્ષાના કારણોથી મને લઈ જવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ મેં કહ્યું જે પણ થશે તે જોયું જશે, પરંતુ મારે ત્યાં જવું જોઈએ તે મારી જવાબદારી છે. સુરક્ષા દળો સાથે ઝઘડીને પણ હું ગોધરામાં હોસ્પિટલમાં ગયો અને બ્લાસ્ટ થયા હતા તે સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.
દુનિયામાં વધતા તણાવ અંગે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ભારતે ક્યારેય ન્યુટ્રલ રહ્યું નથી. આપણે શાંતિની તરફેણમાં છીએ. ભારત હંમેશા શાંતિપૂર્ણ વાતચીત મારફત વિવાદ ઉકેલવાનો પક્ષ છે. વડાપ્રધાને ૨૦૧૪માં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે થયેલી એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે જિનપિંગે ભારત અને તેમના વતન વડનગર આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેનું કારણ એ હતું કે, ચીની દાર્શનિક હ્યુએન સાંગે વડનગરમાં સૌથી લાંબો સમય રોકાણ કર્યું હતું. તેઓ ચીન પાછા ફર્યા તો તે શી જિનપિંગના ગામમાં રહ્યા હતા.