'ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય...' ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Murli Manohar Joshi: ગુરુવારે ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર અને કાયદા સચિવ જી.વી.જી. કૃષ્ણમૂર્તિની 91મી જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ભેદભાવ દૂર કરવાના ઉપાય તરીકે એક સૂચન આપ્યું. તેમણે કહ્યું કે, 'વર્તમાન રાજ્યોમાંથી નાના રાજ્યો બનાવવા જોઈએ, જેમાં દરેક રાજ્યમાં મતવિસ્તારોની સંખ્યા અને વસ્તી લગભગ સમાન હોય.'
કલ્યાણકારી કાર્ય પૈસા વહેંચવાથી ન થાય: જોશી
મુરલી મનોહર જોશીએ બંધારણની મૂળ ભાવના પર ભાર મૂક્યો અને સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ ચૂંટણીઓમાં પૈસા વહેંચવો નથી. તેમણે જણાવ્યું કે, 'દેશમાં આર્થિક અસમાનતા હવે સૌથી મોટો ભેદભાવ બની ચૂકી છે અને કલ્યાણકારી(લોક કલ્યાણ) કાર્યો ચૂંટણી દરમિયાન 'પૈસા વહેંચીને' કરી શકાતા નથી.'
આર્થિક તફાવત પર મુરલી મનોહર જોશીનો પ્રશ્ન
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, 'દરેક નાગરિકને મતદાનનો સમાન અધિકાર મળેલો છે, તેમ છતાં કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રહેતા લોકોની આર્થિક શક્તિમાં મોટો તફાવત જોવા મળે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું રણપ્રદેશ, પહાડી વિસ્તારો કે પૂર્વોત્તરમાં વસતા વ્યક્તિની આર્થિક શક્તિ કર્ણાટકમાં રહેતા વ્યક્તિ જેટલી સમાન ગણી શકાય?'
ન્યાય વિના અધિકારનો ઉપયોગ અશક્ય
મુરલી મનોહર જોશીએ વધુમાં કહ્યું કે, 'બંધારણ આર્થિક અને રાજકીય ન્યાયનો અધિકાર આપે છે.' ડૉ. આંબેડકરનો સંદર્ભ આપીને તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આર્થિક ન્યાય સુનિશ્ચિત ન થાય, ત્યાં સુધી રાજકીય અધિકાર(મત આપવાનો અધિકાર)નો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.
વિકાસ અને અધિકારોની સમાન વહેંચણી અનિવાર્ય
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ચેતવણી આપી કે, 'એક એવી વ્યવસ્થા શોધવી અનિવાર્ય છે જેમાં રાજકીય અને આર્થિક અધિકારોની સાથે સાથે વિકાસ પણ સમાન રીતે વહેંચાયેલો હોય. તેમણે કહ્યું કે, 'જો આ વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે, તો લોકશાહી અને કલ્યાણકારી રાજ્યની ગમે તેટલી પ્રતિબદ્ધતાઓ હોવા છતાં, આપણે વાસ્તવિક લોકશાહી બની શકીશું નહીં.'
વિપક્ષનો આરોપ: મત ખરીદવા પૈસાનો ઉપયોગ
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'આર્થિક સ્થિતિ અને વિકાસ વચ્ચેનો તફાવત જ મૂળભૂત 'ભેદભાવ' છે. ચૂંટણીઓમાં પૈસા વહેંચવાથી કલ્યાણ થતું નથી.' ભાજપના પૂર્વ અધ્યક્ષે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને સત્તાધારી NDA અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદનો આડકતરી રીતે ઉલ્લેખ કરતાં કહ્યું, 'આજે લોકો એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે તમે ચૂંટણી પહેલાં પૈસા વહેંચ્યા. સરકાર દાવો કરે છે કે તેણે કલ્યાણના હેતુથી પૈસા વહેંચ્યા, જ્યારે વિપક્ષનો આરોપ છે કે તમે મત ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કર્યો.'
આ પણ વાંચો: પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા
આર્થિક સમસ્યાનો ઉકેલ: 'નાના રાજ્યો બનાવો'
જોશીએ જણાવ્યું કે આ સમસ્યાનો ઉકેલ દીનદયાળ ઉપાધ્યાયના સૂચન, એટલે કે, 'નાના રાજ્યો બનાવો'માં રહેલો છે. જો આજે એવું નક્કી કરવામાં આવે કે લગભગ સમાન વસ્તીવાળા 70 રાજ્યો હોવા જોઈએ, તો પછી એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને પણ સમાન આર્થિક શક્તિ મળે અને સંસદ દરેકના હિતમાં કામ કરી શકે. અસમાન વસ્તી વિતરણ અને અસમાન આર્થિક વિકાસ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સાથે સુસંગત નથી. તેમણે ધ્યાન દોર્યું કે વસ્તી ગણતરી બાદ મતવિસ્તારોના સીમાંકનના અધિકારની અવગણના પહેલાં ઇન્દિરા ગાંધી અને ત્યારબાદ વાજપેયી સરકારના કાર્યકાળમાં થઈ હતી, જેના પરિણામે વર્ષોથી રાજ્યો વચ્ચે આર્થિક અને વસ્તીના તફાવતમાં વધારો થયો છે.'








