- 2021માં મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 21000 કરોડનું 2988.21 કીલો હેરોઇન જપ્ત થયું હતું
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે ૨૦૨૧ મુંદ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસમાં મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીમાં અનેક સ્થળોએ તપાસ કરી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ઇડી અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ દિલ્હીનાં બિઝનેસમેન હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, શમસુદ્દીન નામનાં એક શખ્સ તથા અન્ય કેટલાક લોકોનાં પરિસરો સહિત દિલ્હીમાં પાંચ જગ્યાએ દરોડા પાડયા હતાં.
દિલ્હીમાં પોપ્યુલર નાઇટ ક્લબ ચલાવનાર તલવારની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ ધરપકડ કરી હતી અને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા પછી તે તાજેતરમાં બહાર આવ્યો છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે સપ્ટેમ્બર, ૨૦૨૧માં ગુજરાતનાં કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટ પરથી ૨૯૮૮.૨૧ કિગ્રા અફઘાનિસ્તાની હેરોઇન જપ્ત કર્યુ હતું.આ વિશ્વમાં ડ્રગ્સની સૌથી મોટી જપ્તી હતી.
ઇન્ટરનેશનલ ગેરકાયદે ડ્રગ્સ માર્કેટમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો આ જથ્થો ઇરાનનાં માર્ગે ભારતીય તટ પર પહોંચ્યું હતું.
ઇડીએ ૨૦૨૧માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. એનઆઇએએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આ ડ્રગ્સ નેટવર્કથી થયેલી કમાણીનો ઉપયોગ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાને ફંડિંગ કરવા માટે થયો હતો.


