| Images Sourse: 'X' |
Mumbai Taxi Scam: મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરેલી એક અમેરિકાના મહિલા પ્રવાસી સાથે ટેક્સી ડ્રાઈવરે કરેલી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એરપોર્ટથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલી હોટલ પહોંચાડવા માટે ડ્રાઈવરે વિદેશી પ્રવાસી પાસેથી 18,000 રૂપિયા ખંખેરી લીધા હતા. જોકે, મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
અહેવાલો અનુસાર, 12મી જાન્યુઆરી, 2026 ના રોજ મોડી રાત્રે અમેરિકાથી આવેલી આર્જેન્ટિના અરીઆનો મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તેને એરપોર્ટની નજીક જ આવેલી હિલ્ટન હોટલ (જે માત્ર 400 મીટર દૂર છે) જવું હતું. ડ્રાઈવર દેશરાજ યાદવ ઉર્ફે પપ્પુએ તેને સીધી હોટલ લઈ જવાને બદલે અંધેરી પૂર્વના રસ્તાઓ પર 20 મિનીટ સુધી ગોળ-ગોળ ફેરવી હતી. અંતે હોટલ ઉતારી ડ્રાઈવરે તેની પાસેથી 18,000 રૂપિયા (આશરે 200 ડોલર) વસૂલ્યા હતા. અજાણ્યા શહેરમાં ગભરાયેલી મહિલાએ તે સમયે પૈસા આપી દીધા હતા.
આ પણ વાંચો: અજિત પવારનું વિમાન ક્રેશ થવા અંગે બ્લેક બોક્સમાંથી શું મળ્યું? નવા VIDEO થી 3 મોટા સવાલ
મુંબઈ પોલીસની કાર્યવાહી
મહિલા પ્રવાસીએ 26 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ કડવા અનુભવની પોસ્ટ મૂકી મુંબઈ પોલીસને ટેગ કરી હતી. પોસ્ટ વાઈરલ થતા જ સહર પોલીસે હરકતમાં આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે એરપોર્ટ અને હોટલના સીસીટીવી ચેક કર્યા અને ટેક્સી નંબરના આધારે ડ્રાઈવરની ઓળખ કરી. 50 વર્ષીય ડ્રાઈવર દેશરાજ યાદવની ધરપકડ કરવામાં આવી છે અને તેની ટેક્સી જપ્ત કરાઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી તૌફીક શેખ હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
કડક કાનૂની પગલાં
પોલીસે પીડિતા અમેરિકા પરત ફરી હોવાથી વીડિયો કોલ દ્વારા તેનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, ડ્રાઈવરનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓને (RTO) ભલામણ પત્ર પણ લખવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને અપીલ કરી છે કે એરપોર્ટ પરથી હંમેશા 'પ્રી-પેઈડ ટેક્સી' અથવા અધિકૃત એપ આધારિત કેબનો જ આગ્રહ રાખવો અને કોઈપણ શંકા જણાય તો તુરંત હોટલ સ્ટાફ કે પોલીસ હેલ્પલાઈનનો સંપર્ક કરવો.


