ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરનો નિર્ણય, સુરક્ષાના કારણસર નારિયેળ-હાર અને પ્રસાદ પર રોક
Siddhivinayak Temple Mumbai: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ નિર્ણયની ઔપચારિક જાહેરાત રવિવારે (11મી મે) કરવામાં આવશે. તેનો અમલ રવિવારથી જ થશે. મુંબઈ પોલીસની સલાહને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે.
નારિયેળ કે પ્રસાદમાં વિસ્ફોટકો હોઈ શકે છે!
શ્રી સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી ભાસ્કર શેટ્ટીએ જણાવ્યું હતું કે, 'પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નારિયેળ, ફૂલોની માળા કે અન્ય પ્રસાદ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી, જેને અમે માન્ય રાખી છે.'
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના વડા સદા સ્વર્ણકરે જણાવ્યું હતું કે, 'મંદિરમાં દરરોજ હજારો લોકો આવે છે અને તે આતંકીઓના હિટ લિસ્ટ પર છે. સરકાર અને પોલીસ દ્વારા અમને ઘણી સલાહ આપવામાં આવી છે. સુરક્ષા પગલાં અંગે, સુરક્ષા તપાસ વખતે ભગવાન ગણેશને અર્પણ કરાયેલા નારિયેળની ઓળખ થઈ શકતી નથી, જે ખતરો સર્જી શકે છે. પ્રસાદમાં ઝેર હોઈ શકે છે. આવા કોઈ પણ જોખમને ટાળવા માટે અમે થોડા સમય માટે ભગવાનને નારિયેળ, ફૂલ માળા કે પ્રસાદની પણ મંજૂરી આપીશું નહીં.'
આ પણ વાંચો: ગુજરાતમાં યુનિવર્સિટી-કોલેજોની પરીક્ષા રદ કે મોકૂફ રખાઈ નથી, વાઈરલ પરિપત્ર ફેક
સદા સ્વર્ણકરે જણાવ્યું હતું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે. ટ્રસ્ટે મંદિરની બહાર ફૂલ વિક્રેતાઓ સાથે વાત કરી છે, જેમણે 11મી મેથી ફરી ફૂળમાળા શરૂ કરવા વિનંતી કરી છે, જેથી તેઓ તેમનો હાલનો સ્ટોક પૂરો કરી શકે.'