2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320 કિમી/કલાકની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન
India's First Bullet Train Project: ભારતની પહેલી બુલેટ ટ્રેનને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય મંત્રીએ આજે (27 સપ્ટેમ્બર) જણાવ્યું કે, 'ગુજરાતના સુરત અને બિલિમોર વચ્ચે દેશની પ્રથમ બુલેટના પ્રોજેક્ટનો 50 કિલોમીટર જેટલો ભાગ વર્ષ 2027માં શરૂ થઈ જશે અને વર્ષ 2029 સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે આખો ભાગ શરૂ કરાશે. આમ વર્ષ 2029માં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થશે.'
માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ
સુરત રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન રેલવે મંત્રીએ કહ્યું કે, 'દેશની પ્રથમ બુલેટ ટ્રેન કામ ઝડપથી થઈ રહ્યું છે. જેમાં વર્ષ 2028 સુધીમાં થાણે-અમદાવાદ સેક્શન કાર્યરત થશે અને વર્ષ 2029માં મુંબઈ-અમદાવાદ સેક્શન શરૂ થશે. આમ બુલેટ ટ્રેન શરૂ થતાં માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઈનની ગતિ ક્ષમતા 320 કિ.મી. પ્રતિ કલાક અને લૂપ લાઈનની 80 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. '
ટ્રેક પર ખાસ પ્રકારની સિસ્ટમનું ઈન્સ્ટોલેશન
રેલવે ટ્રેકને લઈને મંત્રીએ જણાવ્યું કે, 'બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈપણ પ્રકારના વાઈબ્રેશનને કન્ટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હવા કે અચાનક ભૂકંપની સ્થિતિમાં ટ્રેન સંપૂર્ણ રીતે સ્થિર રહે તે કેટલીક ખાસ પ્રકારની સુવિધા જોડવામાં આવી છે.'
આ પણ વાંચો: 'સ્વદેશી BSNL 4G નેટવર્ક' લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું
તેમણે કહ્યું કે, 'આજે (27 સપ્ટેમ્બર) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સુરત સ્ટેશન પર પહેલું ટર્નઆઉટ સ્થાપિત કરવામાં આવ્યું છે. ટર્નઆઉટ એ છે જ્યાં ટ્રેક કાં તો જોડાય છે અથવા અલગ પડે છે. અહીં ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, રોલર બેરિંગ્સ જેના પર ટ્રેક ચાલશે.'