અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Prateek Yadav Passes Away: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના પરિવારમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. અખિલેશ યાદવના સાવકા ભાઈ અને મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું 38 વર્ષની નાની વયે નિધન થયું છે. બુધવારે (13મી મે) સવારે તબિયત લથડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોનો દાવો છે કે જ્યારે તેમને હોસ્પિટલ લવાયા હતા ત્યારે તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા.
મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર હતા પ્રતીક
અહેવાલો અનુસાર, પ્રતીક યાદવ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. તે ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે પારિવારિક વિખવાદના અહેવાલો પણ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ તેઓ પરિવાર સાથે જ રહેતા હતા.

મૃત્યુનું કારણ હજુ અકબંધ
પ્રતીક યાદવના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. અગાઉ મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી, જ્યાં અખિલેશ યાદવ અને અપર્ણા યાદવે તેમની મુલાકાત લીધી હતી.
પ્રતીક યાદવ જીમ અને ફિટનેસના ભારે શોખીન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જીમમાં કસરત દરમિયાન વિવિધ દવાઓનું સેવન પણ કરતા હતા. ઘરે પરત આવ્યા બાદ તેઓ સ્વસ્થ જણાતા ન હતા, પરંતુ આજે સવારે સ્થિતિ વધુ બગડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન થયું હતું.
અખિલેશ યાદવનું ચોંકાવનારું નિવેદન
અખિલેશ યાદવે કહ્યું કે પ્રતીક તેના સ્વાસ્થ્યને લઈને જાગૃત કરો. તે બિઝનેસમાં ભારે વ્યસ્ત રહેતો હતો. અનેકવાર બિઝનેસમાં થતું નુકસાન વ્યક્તિને માનસિક રીતે પરેશાન કરી મૂકે છે. હું બે મહિના અગાઉ તેને મળ્યો હતો. મેં તેને બિઝનેસ પર ધ્યાન આપવા કહ્યું હતું. તે સારો છોકરો હતો. અમારો સંપૂર્ણ પરિવાર આ દુઃખની ઘડીમાં સાથે ઊભો છે.
સમાજવાદી પાર્ટીએ શ્રદ્ધાંજલિ પાઠવી
સમાજવાદી પાર્ટીએ પ્રતીક યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રતીક યાદવજીનું અવસાન થયું છે. ખૂબ જ દુઃખદ. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. વિનમ્ર શ્રદ્ધાંજલિ!'
રાજકારણથી રહ્યા દૂર, બિઝનેસમાં બનાવી ઓળખ
યાદવ પરિવારના રાજકીય પ્રભુત્વ વચ્ચે પણ પ્રતીક યાદવે ક્યારેય સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું ન હતું. તેણે લંડનની યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી MBAની પદવી મેળવી હતી. તે રિયલ એસ્ટેટ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. લખનઉમાં તેઓ પોતાનું જીમ ચલાવતા હતા. 2017માં એક મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી લડવાને બદલે પોતાના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
પ્રતીક યાદવના અકાળે અવસાનથી સમગ્ર યાદવ પરિવાર અને સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. હાલ તેમનો મૃતદેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને પરિવારના તમામ સભ્યો ત્યાં પહોંચી રહ્યા છે.








