India

'હું જ ઉપમુખ્યમંત્રી બનીશ....' બિહાર ચૂંટણી વચ્ચે દિગ્ગજ નેતાએ કોંગ્રેસ-આરજેડીનું ટેન્શન વધાર્યું

By GS TEAM
6 Oct 20252 mins read
TukuTouch Logo
બિહારમાં ચૂંટણી ટાણે રાજકારણમાં ખળભળાટ વધ્યો છે. આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે વિપક્ષના મહાગઠબંધનમાં સામેલ મુકેશ સહનીએ પોતે ડેપ્યુટી સીએમ બનવાનો દાવો કર્યો છે. ચૂંટણી પહેલાં જ બિહારમાં વિપક્ષની જીત થવાની તીવ્ર શક્યતા પણ વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું જ ઉપમુખ્યમંત્રી બનીશ....' બિહાર ચૂંટણી વચ્ચે દિગ્ગજ નેતાએ કોંગ્રેસ-આરજેડીનું ટેન્શન વધાર્યું

Bihar Election: બિહારમાં ચૂંટણી ટાણે રાજકારણમાં ખળભળાટ વધ્યો છે. આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે વિપક્ષના મહાગઠબંધનમાં સામેલ મુકેશ સહાનીએ પોતે ડેપ્યુટી સીએમ બનવાનો દાવો કર્યો છે. ચૂંટણી પહેલાં જ બિહારમાં વિપક્ષની જીત થવાની તીવ્ર શક્યતા પણ વ્યક્ત કરી છે. 

વિપક્ષ મહાગઠબંધનમાં બેઠકની ફાળવણી મુદ્દે હલચલ વધી છે. બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવના નિવાસ સ્થાને ગઈકાલે 5 ઓક્ટોબરના રવિવારે સાંજે આ મામલે બેઠક યોજાઈ હતી.  વિપક્ષના મહાગઠબંધનમાં બેઠકની ફાળવણી તેમજ નેતૃત્વ મુદ્દે આશરે પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના પ્રમુખ મુકેશ સહાનીએ દાવો કર્યો હતો કે, વાત ફાઈનલ થઈ ગઈ છે. બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે જાણકારી આપવામાં આવશે.

હું જ ડેપ્યુટી સીએમ બનીશઃ સહાની

મીડિયા સાથે વાતચીત કરતાં મુકેશ સહાનીએ એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, શુભ-શુભ બોલો, અમે જ સરકાર બનાવીશું અને હું જ ડેપ્યુટી સીએમ બનીશ. છ ઓક્ટોબરના રોજ બેઠક યોજાશે અને તેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કોઈપણ વિષયમાં કોઈના પણ મનમાં શંકા-કુશંકા ન રહે તે હેતુ સાથે વન ટૂ વન ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ 7 ઓક્ટોબરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી આ મામલે જાહેરાત કરવામાં આવશે.

ગઠબંધન સંબંધિત સવાલોનો આપ્યા જવાબ

બિહારમાં મહાગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના મહાસચિવ આલોક મહેતાએ પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી અને હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના વિપક્ષ ગઠબંધનમાં સામેલ થવા મુદ્દે ઉઠી રહેલા સવાલોના જવાબ આપ્યા હતાં. જેમાં મહેતાએ જણાવ્યું કે, અમે મોટાભાગના તમામ પાસાંઓ પર ચર્ચા કરી છે. અમુક વિષયના ઉકેલો લાવવાના બાકી છે. બે દિવસમાં તમામ મડાગાંઠ-સમસ્યાઓ ઉકેલવામાં આવશે, અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાહેરાત કરવામાં આવશે. 

બેઠકની ફાળવણી મુદ્દે ચર્ચા

તેજસ્વી યાદવના આવાસ પર મેરેથોન મીટિંગ બાદ બિહાર કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ કુમાર અને પક્ષના પ્રદેશ પ્રમુખ કૃષ્ણા અલ્લાવરૂએ જણાવ્યું હતું કે, સીટ શેયરિંગ અને સંભવિત ઉમેદવાર સંબંધિત મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ છે. ઉલ્લેખનીય છે, ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચની ટીમ હાલમાં બિહાર પહોંચી છે. જ્યાં રાજકીય પક્ષો સાથે સત્તાવાર બેઠક કરી હતી. બાદમાં ચૂંટણી પંચના વડાએ 22 નવેમ્બર પહેલાં બિહાર ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.