ચૂંટણી પંચ સામે 'વોટચોરી' મુદ્દે સાંસદોની રેલી
- રાહુલ, પ્રિયંકા સહિત 30ની અટકાયત બાદ છૂટકારો : અખિલેશ બેરિકેડ્સ કુદયા
- ચૂંટણી કમીશનરે મુલાકાત ન આપી, સાંસદોએ અગાઉ મંજુરી ન લીધી સરકાર કંઇ વાતથી ડરે છે કમીશનરને મળવા દેતા નથી : ખડગે
- માત્ર 30 જ સાંસદોને ચૂંટણી પંચની ઓફિસે લઇ જવાની છૂટ હતી : દિલ્હી પોલીસ
નવી દિલ્હી : મતદાર યાદીમાં ગડબડ કરીને ભાજપ માટે મતોની ચોરી કરવામાં આવી રહી હોવાના આરોપો સાથે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી કાઢી હતી. જોકે સાંસદોને આગળ વધતા અટકાવવા માટે બેરિકેડ્સ તૈનાત કરી દેવાયા હતા. તેમ છતા સાંસદોએ આગળ વધવાનો પ્રયાસ કરતા મોટાભાગનાની અટકાયત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા સાંસદો બેભાન થઇ ગયા હતા. જેમને બાદમાં સારવાર અપાઇ હતી.
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું જેમાં અનેક મતદારોની બાદબાકી કરી દેવાઇ, લોકસભા અને કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને મતદારોની યાદીમાં ગડબડના આરોપો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના આશરે ૩૦૦ જેટલા સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી પગપાળા રેલી કાઢી હતી, આ રેલીમાં વિપક્ષના આશરે ૨૫ પક્ષોના સાંસદો પણ જોડાયા હતા. સાંસદો રેલી પૂર્ણ કર્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરની મુલાકાત પણ કરવાના હતા.
જોકે રેલી માટે પોલીસની મંજૂરી લેવામાં ના આવી હોવાનું કહીને સાંસદોને વચ્ચે જ અટકાવી દેવાયા હતા. દિલ્હી પોલીસે ચૂંટણી પંચની ઓફિસની બહાર મોટાપાયે બેરિકેડ્સ ખડકી દીધા હતા. કેટલાક સાંસદોએ આ બેરિકેડ્સને કુદવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનો પણ સમાવેશ થાય છે. બેરિકેડ્સ કુદી રહેલા અખિલેશનો વીડિયો વાયરલ થયો હતો. અન્ય કેટલાક સાંસદો પણ બેરિકેડ્સ કુદી ગયા હતા.
બીજી તરફ વિરોધ પ્રદર્શન દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને ચક્કર આવ્યા હતા, જોકે રાહુલ ગાંધી અને અન્ય સાંસદોએ તેમને સંભાળ્યા હતા, ટીએમસીના વધુ એક સાંસદ મિતાલી પણ બેભાન થઇ ગયા હતા. જેમને ટીએમસીના સાયોની ઘોષ અને સપાના પ્રિયા સરોજે સંભાળ્યા હતા. કોંગ્રેસના સાંસદ સંજના જાટવ પણ બેભાન થઇ જતા સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવા પડયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, પ્રિયંકા ગાંધી, આપના સંજયસિંહ, સપાના અખિલેશ યાદવ તેમના પત્ની ડિમ્પલ યાદવ, ઉદ્ધવની શિવસેનાના સંજય રાઉત, ટીએમસીના સાગરીકા ઘોષ સહિતના સાંસદોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મંજૂરી વગર રેલી યોજવા બદલ અમે ૩૦ જેટલા સાંસદોની અટકાયત કરી હતી. બાદમાં તેમને પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
અંતે આ સાંસદોને છોડી મુકવામાં આવ્યા હતા, પોલીસની અટકાયતમાંથી છૂટયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સરકાર અમને ચૂંટણી પંચની ઓફિસે પણ નથી જવા દઇ રહી, અમને ખ્યાલ નથી કે સરકાર કઇ બાબતથી આટલી ડરી રહી છે. અમે બહુ જ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભાજપની કાયર તાનાશાહી નહીં ચલાવી લેવાય, મત આપવાના લોકોના અધિકારો માટેની આ લડાઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ રાજકીય લડાઇ નથી પણ બંધારણ બચાવવાની લડાઇ છે. અમે ચોખી મતદાર યાદી ઇચ્છીએ છીએ. મતોની ચોરી નહીં થવા દઇએ. જ્યારે ભાજપે વિપક્ષની માગનો વિરોધ કર્યો હતો, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે જો કોઇ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહ્યું હોય તો તે રાહુલ ગાંધી છે જે દેશ જોઇ રહ્યો છે. બિહારમાં તેઓ મતદારોના વેરિફિકેશનનો વિરોધ કરી રહ્યા છે. જોકે આ વેરિફિકેશન પ્રક્રિયા કઇ પહેલી વખત નથી યોજાઇ રહી.
લેન્ડિંગ સમયે રન વે પર વિમાન હોવાનો દાવો
કોંગ્રેસ સાંસદો સાથે ઉડેલાં વિમાનનું ચેન્નાઇમાં ઇમરજન્સી લેન્ડિંગ
- નસીબજોગે બચ્યાનો કોંગ્રેસ નેતા વેણુગોપાલનો દાવો એર ઇન્ડિયાએ ફગાવ્યો
નવી દિલ્હી : કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલ સહિત ઘણાં સાંસદો સાથે તિરૂઅનંતપુરમથી નવી દિલ્હી રવાના થયેલી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૨૪૫૫માં ટેકનિકલ ખામી સર્જાવાને પગલે તેનું ચેન્નાઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વેણુગોપાલે આ પ્રવાસને કરૂણાંતિકા ગણાવી તેની નિયામકો દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
કેરળના તિરૂઅનંતપુરમ વિમાનીમથકે થી દસમી ઓગસ્ટે રાત્રે આઠ વાગ્યે આ વિમાન રવાના થયું ત્યારે ખરાબ મોસમનો સામનો કરવો પડયો હતો. તેમાં ટેકનિકલ ખામી હોવાની જાણ થતાં જ પાઇલટે સાવચેતીના પગલાંરૂપે વિમાનનો રૂટ બદલી તેને ચેન્નાઇ વિમાનીમથકે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની મથામણ કરી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિમાનનું ચેન્નાઇમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. જ્યાં વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે.
કોંગ્રેસના સાંસદ વેણુગોપાલે સોશ્યલ મિડિયા એક્સ પર એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે મોડી શરૂ થયેલી આ યાત્રા એક કષ્ટદાયક અનુભવ બની રહી હતી. વિમાન ઉડયુ તેની થોડીવારમાં જ ટર્બ્યુલન્સ એટલે કે ખળભળાટ થવા માંડયો હતો. એક કલાક બાદ પાઇલટે ફલાઇટ સિગ્નલમાં ખરાબી હોવાની જાહેરાત કરી અને વિમાનને ચેન્નાઇ તરફ વાળી દીધું હતું.વિમાનને ઉતરવાની મંજૂરી મળી ત્યાં સુધી એટલે કે લગભગ બે કલાક સુધી અમારે હવામાં ચક્કર મારવા પડયા હતા. વિમાનના ઉતરાણના પ્રથમ પ્રયાસમાં અમને ખબર પડી કે એ સમયે રન વે પર એક બીજું વિમાન આવી ગયું હતું. એ ક્ષણે કેપ્ટને તરત જ વિમાનને ફરી આકાશમાં લઇ વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓનો જીવ બચાવી લીધો હતો. બીજા પ્રયાસમાં વિમાન સહીસલામત ઉતરી ગયુ હતું. અમે પાઇલટના કૌશલ્ય અને નસીબની યારીથી બચી ગયા. પ્રવાસીઓની સુરક્ષાને નસીબની યારી પર છોડી નશકાય.હું ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ ઘટનાની તત્કાળ તપાસ કરી ઉત્તરદાયિત્વ નક્કી કરવાની માંગ કરૂ છું, જેથી ભવિષ્યમાં આવી ચૂક ફરી ન થાય.
કેસી વેણુગોપાલની આ પોસ્ટના પ્રતિભાવમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ડિયર મિસ્ટર વેણુગોપાલ અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે ચેન્નાઇ ભણી વિમાન વાળવાનું પગલું ટેકનિકલ ખરાબી અને ખરાબ મોસમને કારણે સાવચેતીના કારણસર લેવામાં આવ્યું હતું. ચેન્નાઇ એરપોર્ટ પર ઉતરવાના પ્રથમ પ્રયાસમાં એટીસીએ ગો અરાઉન્ડનો આદેશ આપ્યો હતો જેને કારણે વિમાનને ફરી આકાશમાં ચક્કર મારવું પડયુ હતું, એ સમયે રન વે પર કોઇ વિમાન હોવાથી આમ કરવામાં આવ્યું નહોતું. અમે સમજીએ છીએ કે આવો અનુભવ હચમચાવી નાંખે. તમને પડેલી અગવડનો અમને ખેદ છે. સુરક્ષા એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
એર ઇન્ડિયાના નિવેદનના પ્રતિભાવમાં સાંસદ વેણુગોપાલે જણાવ્યું હતું કે એરઇન્ડિયા ખોટું બોલી રહી છે. કેપ્ટને પોતે તેની જાહેરાત કરી હતી.