'આખો દેશ, સૈન્ય અને સૈનિકો પીએમ મોદીના ચરણોમાં નતમસ્તક....' મધ્યપ્રદેશના ડે. સીએમનું વિવાદિત નિવેદન
BJP Leader Vijay Devda Controversial Statement on Indian Army: મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ આપેલા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. જબલપુરમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સના તાલીમ કાર્યક્રમ દરમિયાન દેવડાએ કહ્યું હતું કે, ‘આ સમગ્ર દેશ, દેશની સેના અને સૈનિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નમન કરે છે.’
ભાજપ નેતા દેવડાએ ભાવુક અંદાજમાં કહ્યું, ‘મનમાં ખૂબ ગુસ્સો હતો કે, જે પ્રવાસીઓ ફરવા ગયા હતાં, તેમને ધર્મ પૂછીને મારવામાં આવ્યા. મહિલાઓને એકબાજુએ ઊભા રાખીને, તેમની સામે ગોળી મારી દેવામાં આવી. એ દિવસથી મગજમાં તણાવ હતો કે, જ્યાં સુધી તેનો બદલો નહીં લેવામાં આવે, જ્યાં સુધી જેણે માતાઓનું સિંદૂર મટાડવાનું કામ કર્યું તેમને મારવામાં નહીં આ ત્યાં સુધી રાહતનો શ્વાસ નહીં લઈએ.’
આ પણ વાંચોઃ મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ
ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘યશસ્વી વડાપ્રધાનજીને આપણે આભાર કહેવું જોઈએ. આખો દેશ, દેશની સેના, સૈનિક તેમના ચરણોમાં નતમસ્તક છે. તેમણે જે જવાબ આપ્યો છે, તેના જેટલા વખાણ કરવામાં આવે, તેટલા ઓછા છે.’
તેમનું આ નિવેદન ઓપરેશન સિંદૂરને લઈને હતું, જે હેઠળ ભારતીય સેનાએ 7 મે ના દિવસે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનમાં 100થી વધારે આતંકવાદીઓ ઠાર કર્યા હતાં. દેવડાએ આ કાર્યવાહી માટે વડાપ્રધાનના વખાણ કર્યા પરંતુ, વખાણ દરમિયાન તેમની જીભ લપસી ગઈ અને તેનાથી વિવાદ ઊભો થયો છે. હવે વિપક્ષ તેમના આ નિવેદનને સેનાનું અપમાન જણાવી તેમની ટીકા કરી રહ્યા છે.
વિપક્ષે કરી રાજીનામાંની માંગ
કોંગ્રેસે આ નિવેદનને સેનાનું અપમાન જણાવ્યું છે. પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના સત્તાવાર એકાઉન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, ‘દેશની સેના અને સૈનિક વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે.’ આ વાત મધ્યપ્રદેશના ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા કહી રહ્યા છે. તેમનું આ નિવેદન ખૂબ જ શરમજનક છે. આ સેનાના શૌર્ય અને પરાક્રમનું અપમાન છે. જ્યારે આખો દેશ આજે સેનાની સામે નતમસ્તક છે, ત્યારે આપણી સેના માટે ભાજપ નેતાએ પોતાના નીચલી કક્ષાના વિચાર રજૂ કર્યા છે. ભાજપ અને જગદીશ દેવડાએ માફી માંગવી જોઈએ અને તેમને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.’