BJP ચૂંટણીમાં હારી જવાના ડરથી ગભરાઈ ગઈ, MPમાં મોટા-મોટા નેતાઓને ટિકિટ આપીને મેદાનમાં ઉતારી રહી છે: દિગ્વિજય સિંહ
Updated: Sep 27th, 2023
Image Source: Twitter
- વ્યાપમ કૌભાંડ આ વખતે ચૂંટણીનો મુદ્દો હશે: દિગ્વિજય સિંહ
ભોપાલ, તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર
મધ્ય પ્રદેશમાં બીજેપી દ્વારા વિધાનસભા ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યા બાદ કોંગ્રેસ બીજેપી પર પ્રહારો કરી રહી છે. એક બાજુ કમલનાથે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, જનતામાં બીજેપીના પ્રતિ આક્રોશ છે. ત્યારે હવે બીજી બાજુ દિગ્વિજય સિંહે પણ બીજેપી પર પ્રહાર કર્યા છે. દિગ્વિજય સિંહે બીજેપી પર પ્રહાર કરતા શિવરાજ સરકાર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, આ બીજેપીમાં ફેલાયેલા ડરની નિશાની છે. પીએમ મોદી અને અમિત શાહ ડરી ગયા છે. બીજેપીમાં આગળ હજું મોટા-મોટા નેતાઓની ટિકિટ કપાય શકે છે. બીજેપીએ વેપારીઓને GSTના નામે લૂંટ્યા અને ફંડ વસૂલ કર્યું છે. બીજેપી સરકાર પહેલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હતી પરંતુ બીજેપી સરકાર આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓને કંઈ નથી મળતું. બીજેપીની જનઆશીર્વાદ યાત્રા પૂરી રીતે ફ્લોપ થઈ ગઈ છે.
આ અગાઉ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી માટે ડરી ગઈ છે તેથી તેણે તેમને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ હારના ડરથી ગભરાઈ ગઈ છે અને આ જ કારણ છે કે, તે મોટા-મોટા નેતાઓને ટિકિટ આપીને મધ્યપ્રદેશમાં મેદાનમાં ઉતારી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં મુદ્દાઓનો ઉલ્લેખ કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે વ્યાપમ કૌભાંડ આ વખતે ચૂંટણીનો મુદ્દો હશે.
બીજેપીના બીજી યાદીમાં આ લોકોને મળી ટિકિટ
ભાજપે 25 સપ્ટેમ્બરના રોજ 39 ઉમેદવારોના નામોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, જલશક્તિ રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલ સહિત ગ્રામીણ વિકાસ મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને બીજેપીએ દિમની બેઠક પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે અને ફગ્ગન સિંહ કુલસ્તે નિવાસ વિધાનસભા બેઠક પરથી અને પ્રહલાદ પટેલને નરસિંહપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.