Get The App

એવરેસ્ટ પર દર 10 મિનિટે તંબુ પરથી બરફ હટાવવો પડતો, બરફના તોફાનમાં ફસાયેલા ટ્રેકરોની આપવીતી

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
એવરેસ્ટ પર દર 10 મિનિટે તંબુ પરથી બરફ હટાવવો પડતો, બરફના તોફાનમાં ફસાયેલા ટ્રેકરોની આપવીતી 1 - image

Snow Storm News: વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ભાગમાં 1000થી વધુ પર્વતારોહકો અણધાર્યા હિમતોફાનમાં ફસાઈ ગયા છે. સ્થાનિક પ્રશાસન અને બચાવદળો સમય સાથે હોડમાં ઉતરીને આ લોકોને બચાવવામાં લાગ્યા છે. અત્યાર સુધીમાં 350 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ સેંકડો ટ્રેકર્સ મદદની રાહ જોઈ રહ્યા છે. સતત ચાલુ રહેલી હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવકાર્ય જોખમભર્યું અને પડકારજનક બની રહ્યું છે. સુરક્ષિત સ્થળે પાછા આવી ચૂકેલા અનેક ટ્રેકરે હિમતોફાનની સનસનીખેજ આપવીતી જણાવી છે. 

અણધાર્યું હિમતોફાન ત્રાટક્યું

3 ઓક્ટોબરની સાંજે કર્મા ખીણ પ્રદેશમાં શરુ થયેલી હિમવર્ષાએ એવરેસ્ટના પૂર્વીય ભાગને પોતાની ચપેટમાં લેવાની શરુઆત કરી હતી. આ પ્રદેશ સામાન્ય રીતે શાંત અને સ્વચ્છ માર્ગ માટે ઓળખાય છે, જ્યાંથી મોટા ભાગના પર્વતારોહકો ઉત્તરના માર્ગે પ્રવેશ કરે છે. શનિવારે હિમપાત વધુ તીવ્ર બનતાં પર્વતીય માર્ગો સંપૂર્ણપણે અવરોધાઈ ગયા હતા, જેને લીધે ટ્રેકર્સનું આગળ વધવાનું અશક્ય બની ગયું હતું. હિમતોફાને કારણે એવરેસ્ટના ઢોળાવ પર 1000થી વધુ પર્વતારોહક ફસાઈ ગયા છે. બરફ એટલો વધુ માત્રામાં વરસી રહ્યો છે કે, એના ભાર હેઠળ તંબુ ભાંગી પડ્યા છે. અનેક પર્વતારોહકોમાં હાયપોથર્મિયાના લક્ષણો જોવા મળ્યા છે. 




બચી ગયેલા પર્વતારોહકોની આપવીતી 

સહીસલામત બહાર નીકળી શકેલા એરિક વેન નામના એક ટ્રેકરે જણાવ્યું હતું કે, ‘ત્યાં દરરોજ વરસાદ અને બરફ પડતો હતો. અમારી પાસે મર્યાદિત માત્રામાં તંબુ હતા. એક તંબુમાં દસથી વધુ લોકોને રહેવું પડ્યું હતું. આ કારણસર ઊંઘવા જેટલી મોકળાશ જ ન હતી. અમારે દર દસ મિનિટે તંબુ પરથી બરફ સાફ કરવો પડતો હતો, નહીંતર બરફના વજનથી તંબુ ભાંગી પડત અને અમે એની નીચે દટાઈ જાત.’



આ પણ વાંચો: સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ

ઓક્ટોબર મહિનામાં પ્રતિકૂળ હવામાન

એવરેસ્ટ શિખર પર લઈ જતાં એક ગાઇડે કહ્યું હતું કે, ‘આ વર્ષનું હવામાન સામાન્ય નથી. ઑક્ટોબરમાં આવું હવામાન ક્યારેય નથી હોતું. બધું શાંત હતું અને પછી એકાએક જ તોફાન આવી ગયું. અમે અનુભવી હાઇકર્સ હોવા છતાં અમારા માટે પણ આ બરફવર્ષાનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હતો.’

બચાવકાર્યમાં ઘણાં પડકારો 

માઉન્ટ એવરેસ્ટના ઉત્તર ભાગમાં બેઝ કેમ્પની નીચે લગભગ 1,000 પર્વતારોહક ફસાયેલા છે. તિબેટની સરકારે સંકલિત બચાવ કાર્યવાહીનું આયોજન કર્યું છે અને અવરોધિત રસ્તાઓ ફરી ખોલવા માટે ભારે મશીનરી મોકલી છે. શનિવારથી બચાવકાર્ય ચાલુ છે, પરંતુ સતત ચાલુ રહેલી હિમવર્ષા અને તીવ્ર પવનસપાટાને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 350 જેટલા ટ્રેકર્સને સુરક્ષિત બહાર કઢાયા છે. સ્થાનિક ગ્રામવાસીઓ અને રેસ્ક્યુ ટીમ પર્વતના રસ્તા પરથી બરફ હટાવવાનું કામ કરી રહી છે. જેથી વધુ લોકોને નીચે લાવવા માટેનો રસ્તો ખોલી શકાય.