India

લગ્નોમાં શરૂ થયો 'મૌંજારો દુલ્હન'નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમી ખેલ

By GS TEAM
4 Apr 20263 mins read
TukuTouch Logo
ભારતમાં લગ્ન એટલે ધામધૂમ અને પરંપરા. જમાનો બદલાય એમ લગ્ન સંબંધિત નવાનવા ટ્રેન્ડ આવતાં જ જાય છે. જેમ કે, પ્રિવેડિંગ શૂટ. ટ્રેન્ડ હેલ્ધી હોય તો વાંધો નહીં, પણ જોખમી હોય તો ચિંતાજનક છે. હાલના વર્ષોમાં લગ્નની તૈયારીઓમાં ઉમેરાયેલો નવો ટ્રેન્ડ એવો જ એક ચિંતાજનક ટ્રેન્ડ છે. આજકાલ દુલ્હનો લગ્ન પહેલાં ઝડપથી વજન ઘટાડવા માટે મોંઘા ઇન્જેક્શનનો સહારો લઈ રહી છે. આ ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે હવે ક્લિનિકોએ ખાસ 'મૌંજારો દુલ્હન' પેકેજ બનાવ્યાં છે, જેમાં ત્વચા અને વાળને નિખારવા સાથે વજન ઘટાડવાના ઇન્જેક્શનનો પણ સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નોમાં શરૂ થયો 'મૌંજારો દુલ્હન'નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમી ખેલ

Mounjaro Brides: ભારતમાં લગ્ન એટલે ધામધૂમ અને પરંપરા. જમાનો બદલાય એમ લગ્ન સંબંધિત નવાનવા ટ્રેન્ડ આવતાં જ જાય છે. જેમ કે, પ્રિવેડિંગ શૂટ. ટ્રેન્ડ હેલ્ધી હોય તો વાંધો નહીં, પણ જોખમી હોય તો ચિંતાજનક છે. હાલના વર્ષોમાં લગ્નની તૈયારીઓમાં ઉમેરાયેલો નવો ટ્રેન્ડ એવો જ એક ચિંતાજનક ટ્રેન્ડ છે. આજકાલ દુલ્હનો લગ્ન પહેલાં ઝડપથી વજન ઘટાડવા માટે મોંઘા ઇન્જેક્શનનો સહારો લઈ રહી છે. આ ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે હવે ક્લિનિકોએ ખાસ 'મૌંજારો દુલ્હન' પેકેજ બનાવ્યાં છે, જેમાં ત્વચા અને વાળને નિખારવા સાથે વજન ઘટાડવાના ઇન્જેક્શનનો પણ સમાવેશ થાય છે.

'સંપૂર્ણ' દુલ્હન બનવાનું સામાજિક દબાણ 

ખાસ કરીને મહાનગરોમાં વેગ પકડી રહેલા આ ટ્રેન્ડમાં એવું છે કે, લગ્નના દિવસે 'પરફેક્ટ' દેખાવાનું સામાજિક દબાણ—ખાસ કરીને યુવતીઓ પર—એટલું તીવ્ર હોય છે કે તેઓ ડાયટ અને કસરતને બાજુ પર રાખીને સીધા ઇન્જેક્શન તરફ વળે છે. યુવતીઓ લગ્ન પહેલાં 'મૌંજારો' વડે 10 કિલોગ્રામ સુધીનું વજન ઘટાડી દેતી હોય છે. લગ્નનું આયોજન કરવામાં એટલો બધો સમય ખર્ચાઈ જતો હોય છે કે જીમ અને ડાયટ માટે સમય જ નથી મળતો. એવામાં આ દવાઓ યુવતીઓને સારો વિકલ્પ લાગવા લાગી છે. આ ટ્રેન્ડ અનુસરી રહેલી મોટાભાગની યુવતીઓનું કહેવું છે કે વજન ઘટવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. 

'મૌંજારો' શું છે?

'મૌંજારો' એ અમેરિકન કંપની એલી લિલીની દવા છે, જે મૂળ ડાયાબિટીસ અને મેદસ્વીપણાની સારવાર માટે બનાવવામાં આવી છે. તે GLP-1 દવાઓના પરિવારનો ભાગ છે, જે ભૂખ ઓછી લાગે તે માટે લેવાની હોય છે. આ દવા પેટમાં ખોરાકનું પાચન ધીમું કરે છે, જેના લીધે લાંબો સમય ખાવાની ઈચ્છા થતી નથી અને વજન કાબૂમાં રહે છે. ભારતીય બજારમાં આ દવાઓનું વેચાણ છેલ્લા કેટલાક મહિનામાં બમણું થઈ ગયું છે, અને તે સૌથી વધુ વેચાતી દવા બની ગઈ છે.

આ પણ વાંચો: નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ...નવા કાયદામાં મોટો ફેરફાર!

કિંમત અને સસ્તા વિકલ્પો: શું છે તફાવત?

'મૌંજારો' ઇન્જેક્શન સસ્તા નથી. ભારતમાં તેની સૌથી ઓછી માત્રાની કિંમત દર મહિને આશરે 13,125 રૂપિયા છે, જ્યારે સૌથી વધુ માત્રા 25,781 રૂપિયા સુધી પહોંચે છે. એની સરખામણીમાં નોવો નોર્ડિસ્કની દવા 'વેગોવી' સસ્તી છે, જેની શરૂઆતની કિંમત 5,660 રૂપિયા છે. જોકે, હવે પેટન્ટ સમાપ્ત થતાં ભારતીય કંપનીઓએ 'સેમાગ્લુટાઇડ'ના સસ્તા જેનરિક વર્ઝન લોન્ચ કર્યા છે, જેની કિંમત અઠવાડિયાના 450 રૂપિયાથી શરૂ થાય છે.

ડોક્ટરોની ચેતવણીઃ આરોગ્ય માટે જોખમી છે 

ડોક્ટરો ચેતવણી આપે છે કે આવી દવાઓ ફક્ત તબીબી રીતે મેદસ્વી લોકો(BMI 30 કે તેથી વધુ) અથવા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ધરાવતા લોકો માટે જ છે. કોસ્મેટિક કારણોસર તેનો ઉપયોગ જોખમી પરિણામ લાવી શકે છે.

દવાથી કઈ-કઈ આડઅસર થઈ શકે છે? 

આ દવા લેવાથી ઉબકા, ઊલટી, પેટમાં દુખાવો થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આંખોની ગંભીર સમસ્યાઓ અને પિત્તાશયના રોગનું જોખમ પણ છે.

આ પણ વાંચો: એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત

સસ્તી દવા દુરુપયોગ વધારશે? 

બજારમાં સસ્તી દવાઓના વિકલ્પો આવી રહ્યા હોવા બાબતે સરકારે ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં જ ડ્રગ્સ રેગ્યુલેટરે 49 સ્થળોની તપાસ કરી અને અનધિકૃત વેચાણ પર કાર્યવાહી તેજ કરી છે.

'મૌંજારો મેજીક' કાયમી ઉકેલ છે?

જવાબ છે, ના! ડોક્ટરોનું કહેવું છે કે મૌંજારો કે એના જેવી બીજી કોઈપણ દવા વજન ઘટાડા માટેનો કાયમી ઉકેલ નથી, કેમ કે એકવાર દવા બંધ કર્યા પછી મોટાભાગે વજન પાછું હતું એટલું જ થઈ જતું હોય છે. તેથી મોંઘા કામચલાઉ ઉપાય અજમાવીને સ્વાસ્થ્યનું જોખમ વહોરવા કરતાં ડાયેટ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સલામત માર્ગ લેવાની સલાહ ડોક્ટરો આપે છે. 'મૌંજારો દુલ્હન' બનીને થોડા સમય માટે પાતળા થવું સલાહભર્યું નથી. 

નોંધ: આ લેખ માહિતીના હેતુ માટે છે. કોઈપણ દવા અથવા સારવાર શરૂ કરતાં પહેલાં લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.