Morena Shootout: હત્યાકાંડની માસ્ટરમાઈન્ડ પુષ્પાની ધરપકડ
- 7 આરોપી હજુ પણ ફરાર
મુરૈના, તા. 08 મે 2023, સોમવાર
મધ્યપ્રદેશના મુરૈનામાં 5 મે ના રોજ થયેલા હત્યાકાંડની માસ્ટરમાઈન્ડ મહિલા પુષ્પાની પોલીસે ધરપકડ કરી લીધી છે. લેપા ગામમાં થયેલી 6 લોકોની હત્યા મામલે પોલીસ અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે 7 આરોપી હજુ પણ ફરાર છે. ધરપકડ કરવામાં આવેલ 3 આરોપીઓમાં 2 મહિલા અને એક પુરુષ છે. ધરપકડ કરાયેલી બંને મહિલાઓએ તેમના પુત્રોને ગોળી મારવા માટે ઉશ્કેર્યા હતા. માતાના કહેવા પર પુત્રોએ બીજા પક્ષ પર ગોળીબાર કર્યો હતો. આ હત્યાકાંડથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો હતો.
5 મેના રોજ લેપા ગામમાં એક પક્ષે એક પછી એક 9 લોકોને નિશાન બનાવ્યા હતા. આ ગોળીબારમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે 9 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. 7 મેના રોજ પોલીસે વીડિયોના આધારે પુષ્પા નામની મહિલા આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક મહિલા રજ્જો અને ધીર સિંહની પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે.
બાકીના આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે: એએસપી
આરોપીઓની ધરપકડ અંગે અધિક પોલીસ અધિક્ષક રાયસિંગ નરવરિયાએ જણાવ્યું હતું કે, લેપા ગામમાં હત્યાના આરોપીઓમાં એક મહિલા આરોપીના વીડિયોના આધારે વધુ ધરપકડ કરવામાં આવી છે. હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધમાં પોલીસ ટીમ તેમના ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. ભિંડ પોલીસ પણ પૂરા પ્રયાસ કરી રહી છે. આરોપીઓ સતત પોતાની જગ્યાઓ બદલી રહ્યા છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
જમીન વિવાદમાં થઈ હતી લોહિયાળ અથડામણ
મુરૈનાના લેપા ગામમાં જમીન વિવાદમાં બે જુથ વચ્ચેની આ લોહિયાળ અથડામણમાં થઈ હતી. આ અથડામણમાં એક જ પરિવારની ત્રણ મહિલા સહિત કુલ છ લોકોના મોત થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસની ટીમ આરોપીને શોધી રહ્યી છે. બંને પરિવારો વચ્ચે 10 વર્ષથી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે.