| (AI IMAGE) |
BJP Leader rams Car 5 People: મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભાજપ નેતાની બેફામ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં સ્પીડમાં કાર ચલાવી રહેલા નેતાએ રસ્તા કિનારે તાપણી કરી રહેલા પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો, જોકે બાદમાં આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.
તાપણી કરી રહેલા લોકો પર કાર ચડાવી દીધી
ઘટના પૌરસા પોલીસ સ્ટેશન વિસ્તારના જોટઈ રોડની છે. મળતી માહિતી મુજબ, આરોપી ભાજપ નેતા દીપેન્દ્ર ભદૌરિયા દારૂના નશામાં ધૂત થઈને ફૂલ સ્પીડમાં કાર નંબર: MP 06 CA 5172 ચલાવી રહ્યા હતા. જોટઈ રોડ બાયપાસ ચોકડી પાસે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેઠા હતા. આ દરમિયાન બેકાબૂ કાર આ લોકો પર ફરી વળી હતી.
ત્રણની હાલત ગંભીર, લોકોનો ભારે આક્રોશ
આ અકસ્માતમાં કુલ પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ પણ નેતાએ ગાડી રોકી નહોતી અને આગળ જઈને બીજી એક ગાડીને પણ ટક્કર મારી હતી.
લોકોએ મેથીપાક ચખાડ્યો, પોલીસ પર ભગાવવાનો આરોપ
અકસ્માત જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાગી રહેલા દીપેન્દ્ર ભદૌરિયાને પકડી લીધો હતો. રોષે ભરાયેલા ટોળાએ તેની એવી ધુલાઈ કરી કે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ લોકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે આરોપી દીપેન્દ્ર પોલીસની અટકાયતમાંથી ફરાર થઈ ગયો છે. ગ્રામજનોનો સીધો આરોપ છે કે પોલીસે જ સત્તાધારી પક્ષના નેતાને ભગાડવામાં મદદ કરી છે.
વિસ્તારમાં તણાવ, પોલીસની તપાસ શરૂ
નેતા ફરાર થઈ જતા ગ્રામજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. પરિસ્થિતિને જોતા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે અકસ્માત અંગે ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે આરોપીને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે.


