ગુરુગ્રામમાં દર્દીના પિત્તાશયમાંથી 8 હજારથી વધુ પથરી નીકળી
- જટીલ સર્જરી કરીને દર્દીને જીવતદાન આપ્યું
- એક કલાકની સર્જરી બાદ પથરી ગણતા 6 કલાક જેટલો સમય લાગ્યો
નવી દિલ્હી : ગુરુગ્રામની ફોર્ટીસ મેમોરીયલ રિસર્ચ ઇન્સ્ટીટયુટના ડોકટરોએ એક દુર્લભ સર્જરી કરીને ૭૦ વર્ષના દર્દીના પિત્તાસયમાંથી ૮,૧૨૫ સ્ટોન (પથરી) કાઢીને દર્દીને લાંબા સમયની પીડા અને બેચેનીમાંથી મુક્તિ અપાવી છે. દર્દી છેલ્લા ઘણા વર્ષોથી પેટમાં દુખાવો, વચ્ચે વચ્ચે તાવ, ભૂખ ન લાગવી, નબળાઇથી પીડાતો હતો.
ફોર્ટીસ મેમોરીયલની ગેસ્ટ્રો- ઓંકોલોજીના સીનિયર ડાયરેકટર ડો. અમિત જાવેદ અને તેની ટીમના કુશળ ડોકટરોએ જટીલ અને પડકારજનક સર્જરી કરી હતી. લગભગ એક કલાકમાં પિત્તાસયની કોથળીની સર્જરી કરીને ૮,૧૨૫ પથરી કાઢીને દર્દીની વર્ષો જુની તકલીફ દૂર કરી હતી. ડો. અમિત જાવેદે કહ્યું હતું કે દર્દીએ લાંબા સમય સુધી દર્દ પ્રત્યે ઉપેક્ષા કરતા પથરી વધી ગઇ હતી. આ સ્થિતિમાં પિત્તાશયમાં પશ થઇ જાય અને છેલ્લે પિત્તાશયનું કેન્સર થઇ શકે છે. તેમણે કહ્યું કે કેલોસ્ટ્રોલ યુક્ત ખોરાકનું વધુ સેવન કરવા થી આ સ્થિતિ ઉભી થઇ હતી. દર્દી શરુઆતમાં ઓપરેશન કરાવવા માટે તૈયાર ન હતા પરંતું દુખાવો સહન શક્તિથી બહાર જતાં નાજુક સ્થિતિમાં ફોર્ટિસ ગુરુગ્રામ લાવવામાં આવ્યાં હતાં. દર્દીને દાખલ કરીને તાત્કાલીક પેટનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પિત્તાશય માં ભારે પણું જોવા મળ્યું હતું. દર્દીની નાજુક સ્થિતિ જોઇને લેપ્રોસ્કોપિક સર્જરી કરીને પિત્તાસયની કોથળીમાંથી પથરી કાઢવાનું શરુ કર્યું ત્યારે ડોકટરો અચરચ પામ્યા હતાં. આ સર્જરી એક કલાક ચાલી હતી. દર્દીને બે દિવસ દેખરેખ હેઠળ રાખીને રજા આપવામાં આવી હતી. ઓપરેશન બાદ પિત્તાશયમાંથી બહાર કાઢેલી પથરીની ગણત્રીમાં ૬ કલાકનો લાંબો સમય લાગ્યો હતો.