બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

દર વખતે ચૂંટણી જીતનારા અનંતસિંહ સામે સૌથી વધુ 28 ક્રિમિનલ કેસ
મૈથિલી ઠાકુર સૌથી યુવા વયની ધારાસભ્ય, મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 26થી વધીને 29 પર પહોંચી
Bihar Election result: બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં કેટલાકની ભારે ચર્ચા થઇ રહી છે. કોઇ સૌથી યુવા તો કોઇ સૌથી વધુ ગુનાહિત કેસો ધરાવતા ધારાસભ્યો છે. મહિલાઓએ નીતીશ કુમારને ફરી સત્તા સોંપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. જોકે મહિલા ધારાસભ્યોની સંખ્યા અગાઉ કરતા માત્ર ત્રણ જ વધી છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ ધારાસભ્ય લોક ગાયીકા મૈથિલી ઠાકુર છે જે સૌથી યુવા વયની ધારાસભ્ય બની છે. જ્યારે આ વખતે ચૂંટાયેલા કુલ ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસો છે.
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના આંકડા મુજબ બિહારમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 26 હતી તેમાં ત્રણના વધારા સાથે હવે 29 થઇ છે. જોકે વર્ષ 2010માં આ સંખ્યા 34 હતી તે બાદથી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ઘટી રહી હતી. હાલમાં જે 29 મહિલા ધારાસભ્યો છે તેમાં 26 એનડીએની જ્યારે ત્રણ આરજેડી સાથે સંકળાયેલી છે. મૈથિલી ઠાકુર માત્ર 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની ગઇ.
ચૂંટાયેલા ધારાસભ્યોની ઉંમર પર નજર કરીએ તો એલજેપીના ધારાસભ્યોની સરેરાશ ઉંમર 46 વર્ષ છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની વય 55 વર્ષ છે જે સૌથી વધુ વયના માનવામાં આવે છે. સૌથી વૃદ્ધ ધારાસભ્ય જદયુના 79 વર્ષના બિજેંદ્ર પ્રસાદ યાદવ છે, તેઓ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે અને સતત નવમી વખત ચૂંટણી જીત્યા છે. ૭૨ વધારાસભ્યો ઓછામાં ઓછા 60 વર્ષની વયના છે.
જ્યારે 33 ધારાસભ્યો 40 વર્ષથી ઓછી વયના છે. નવા ધારાસભ્યોમાં કુલ સંપત્તિ પણ અગાઉની સરખામણીએ બેગણી થઇ ગઇ છે. ક્રિમિનલ કેસો પર નજર કરીએ તો પેન્ડિંગ ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા ધારાસભ્યોની સંખ્યા 2020માં 163 હતી જે ઘટીને આ વર્ષે 130 પર આવી ગઇ છે. જેમની સંખ્યા કુલ ધારાસભ્યોમાં 53 ટકા છે. જે 2010 બાદથી ઓછા માનવામાં આવે છે. 102 ધારાસભ્ય એવા છે કે જેની સામે હત્યા, મહિલાઓ વિરુદ્ધ અપરાધ જેવા ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે. આ સંખ્યા કુલ ધારાસભ્યોની સરખામણીએ 42 ટકા માનવામાં આવે છે. સૌથી વધુ કેસો ધરાવતા ધારાસભ્યોમાં જદ(યુ)ના અનંતસિંહનો સમાવેશ થાય છે. જેમની ચૂંટણી પૂર્વે જ હત્યાના કેસમાં ધરપકડ કરાઇ હતી. તેમની સામે કુલ 28 ક્રિમિનલ કેસો છે જોકે તેઓ અપક્ષ, આરજેડી કે કોઇ પણ પક્ષમાંથી ચૂંટણી લડે તો પણ જીતી રહ્યા છે.

