Get The App

ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની તૈયારીમાં, ટૂંક સમયમાં શરૂ થશે ભારે વરસાદ : IMDની આગાહી

હાલ આકરી ગરમીનો સામનો કરી રહેલ પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના

આજથી 21 જૂન સુધી પૂર્વ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધવાની સ્થિતિ શરૂ

Updated: Jun 18th, 2023

GS TEAM


Google News
Google News
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની તૈયારીમાં, ટૂંક સમયમાં શરૂ થશે ભારે વરસાદ : IMDની આગાહી 1 - image

નવી દિલ્હી, તા.18 જૂન-2023, રવિવાર

આ વર્ષે અત્યાર સુધી સુસ્ત બનેલું ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના છે. હાલ આકરી ગરમીનો સામનો કરી રહેલ પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, જૂનના અંત અને જુલાઈની શરૂઆત સુધી સારો અને નિયમિત વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે ભારતના પશ્ચિમ, મધ્ય અને પૂર્વ કિનારે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. IMDના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર 18 જૂનથી 21 જૂન સુધી પૂર્વ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધવાની સ્થિતિ જોવા મળી રહી છે. 

વરસાદ પર વાવાઝોડું બિપરજોયની અસર

વાવાઝોડું બિપરજોયની અસરના કારણે આજે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે, જેના કારણે ચોમાસુ આગળ વધશે. બંગાળની ખાડી ઉપર હવામાન સિસ્ટમના અભાવના કારણે તેમજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ગંભીર વાવાઝોડાની અસરના કારણે 11 મેથી ચોમાસુ શાંત રહ્યું હતું. હવે બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની અને મધ્ય અને પૂર્વીય ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વરસાદ થવાની આગાહી છે.

20 જૂનથી આ રાજ્યોમાં પડશે વરસાદ

રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ 20 જૂનથી મધ્ય અને પૂર્વ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વરસાદ પડશે. ખાનગી આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ (હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તન) મહેશ પલાવતે જણાવ્યું કે, તે ચોમાસાના પવનોને ખેંચશે અને ચોમાસાને પૂર્વ ભારતમાં આગળ વધારવામાં મદદ કરશે.

8 જૂને કેરળ પહોંચવાનું હતું ચોમાસું

આ વર્ષે કેરળમાં 8મી જૂને ચોમાસાની એન્ટ્રી થવાની હતી, જે સામાન્ય કરતાં એક અઠવાડીયું મોડું આવવાનું હતું. કેટલાક હવામાનશાસ્ત્રીઓના મતે વાવાઝોડાના કારણે ચોમાસું મોડું આવ્યું છે અને હળવા ચોમાસાનું આગમન થયું. ચોમાસાએ અત્યાર સુધીમાં સમગ્ર પૂર્વોત્તર, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટક અને બંગાળના કેટલાક ભાગોમાં દસ્તક દીધી છે.

Tags :