Get The App

VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો 1 - image


Rajasthan, Uttarakhand, Uttar Pradesh Rain And Floods : ઉત્તર ભારતના અનેક રાજ્યો પૂર અને વરસાદનો સામનો કરી રહ્યા છે. અનેક નદીઓના જળસ્તર વધવાના કારણે લાખો લોકો પોતાના ઘર છોડવા મજબૂત થયા છે. સૌથી વધુ યુપી અને રાજસ્થાન પૂરના ખતરાનો સામનો કરી રહ્યા છે. ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં રેબડા નદીનું જળસ્તર વધ્યું છે, તો ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લાઓ વરસાદ, પૂરના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે મધ્યપ્રદેશના હબીપુરા ગામ પૂરની ઝપેટમાં આવી ગયું છે. આ ઉપરાંત રાજસ્થાનના ભરતપુરમાં અનેક ગામો જળમગ્ન થઈ ગયા છે. જ્યારે બિહારના બગહામાં ટ્રેક્ટર પલટી જતા મા-પુત્રનું મોત થયું છે. પશ્ચિમ બંગાળના બે ડેમમાં પાણી છોડાતા નીચેના વિસ્તારોને અલર્ટ કર્યા છે.

ઉત્તરાખંડ : ઉધમસિંહ નગરમાં રેબડા નદીનું જળસ્તર વધતા અનેક ઘરોમાં પાણી

ઉધમ સિંહ નગરમાં અનેક મુખ્ય નદીઓ આવેલી છે, જેમાં રેબડા નદીમાં પાણીના જળસ્તરમાં વધારો થતા પૂરનું સંકટ શરૂ થઈ ગયું છે. અહીં સૌથી વધુ અસર બાજપુર વિસ્તારમાં થઈ છે, જ્યાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું છે અને અનેક માર્ગો જળમગ્ન થઈ ગયા છે. રાજ્યમાં વરસાદની આફતમાં એક 11 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હોવાની માહિતી પણ સામે આવી છે. સતત વરસાદ પડવાના કારણે અનેક નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. સાથે જ રાહત-બચાવ કાર્યમાં પણ અડચણો આવી રહી છે. 

VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો 2 - image

ઉત્તર પ્રદેશમાં ગામોના સંપર્ક તૂટ્યા, અંતિમ સંસ્કાર પણ બંધ

ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં ગારાપુર-ઝૂંસી માર્ગ આખો ડૂબી ગયો છે. સોનોટી, ઢોલબજવા અને પુરવા ગામનો સંપર્ક તૂટી ગયો છે. અનેક લોકો નાવડીનો સહારો લઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ વરસાદી આફતના કારણે અનેક શાળાઓ બંધ રાખવાની નોબત આવી છે, તો કેટલાક ઘરોમાં વીજળી પણ ડૂલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. છોટા બઘાડા વિસ્તારમાં કમ સુધી પાણી ભરાઈ ગયું છે, તો મંદિરો, વાહનો અને મકાનો પાણીમાં ડૂબી ગયા છે. રસૂલાબાદ ઘાટમાં પાણી ભરાતા અંતિમ સંસ્કાર બંધ થઈ ગયા છે. નદીઓ ખતરાથી ઉપર વહી રહી છે, જ્યારે પૂરના કારણે અનેક લોકો પરેશાન છે.

ચંદૌલીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો, પૂરનું એલર્ટ

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થવાથી પૂરની ચેતવણી આપવામાં આવી છે. નિયમતાબાદ, ચહનિયા અને સકલડીહામાં અનેક ગામો પર પૂરનો ખતરો ઉભો થયો છે. અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. હાલ તંત્ર એલર્ટ પર છે અને લોકોને સુરક્ષિત સ્થલે જવાની સૂચના આપી રહ્યા છે. ગંગા નદીનું પાણી શહેર તરફ ધસી ગયું છે, જેના કારણે 84 ઘાટ અને મંદિરો ડુબી ગયા છે. વરૂણા નદીમાં પણ જળસ્તર વધતા અનેક ઝુંપડાને અસર થઈ છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર 71.04 પર પહોંચી ગયું છે, જે ખતરાના નિશાનથી માત્ર 22 સેન્ટીમીટર નીચે છે. જેમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર એલર્ટ પર છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગંગા નદીનું જળસ્તર 63.105 મીટરને એટલે કે ખતરાના નિશાનને પાર પહોંચી ગયું છે. નદીનું પાણી ગામોમાં ફેલાઈ રહ્યું છે. કુલ 5 તાલુકાના 450થી વધુ ગામને અસર થઈ છે.

VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો 3 - image

ગ્વાલિયરમાં 300 મકાનો પૂરની ઝપેટમાં

મધ્યપ્રદેશમાં પણ સતત વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના ગ્વાલિયરના હબીપુરા ગામના 300 મકાનો પૂરની ઝપેટમાં આવી ગયા છે. તંત્ર દ્વારા બચાવ-અભિયાન ચાલી રહ્યું છે, જેમાં પુરના પાણીમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

ભરતપુરમાં અજાન ડેમ ઓવરફ્લો

રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વરસાદ થંભી ગયો છે, પરંતુ હજુ પણ અનેક ગુમો જળમગ્ન સ્થિતિમાં છે. ભેલેહી અને અન્ય ડેમથી આવેલું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી રહ્યું છે. ભરતપુરનો અજાન ડેમ પણ ઓવરફ્લો થયો છે, તેનું પાણી આગળ વધ્યા બાદ અનેક ગામો જળમગ્ન થયા છે. અહીં ખાડાઓવાળા રસ્તા પર ટ્રેક્ટર પલટી ગયું છે, જેમાં માતા-પુત્રનું મોત થયું છે, જ્યારે ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો છે.

બિહારમાં ગંડક નદીમાં પૂરની સ્થિતિ

બિહારમાં ભારે વરસાદ પડવાના કારણે ગંડક નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. પશ્ચિમ ચંપારણ અને નેપાળમાં પડી રહેલા વરસાદના કારણે ગંડક નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશતા જળમગ્નની સ્થિતિ ઉભી થઈ છે. અહીં વહિવટી તંત્ર એલર્ટ પર છે અને લોકોને સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપી રહ્યું છે.

VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો 4 - image

પશ્ચિમ બંગાળના બે ડેમમાં પાણી છોડાયું

સતત વરસાદ પડવાના કારણે અનેક ડેમો અને નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પણ દામોદર વેલી કોર્પોરેશને મેથન અને પંચેત ડેમમાં પાણી છોડ્યું છે, જેના કારણે જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Tags :