RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા
Pahalgam Attack: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાવગતે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમ આવાસમાં મુલાકાત કરી હતી. આ અગાઉ વડાપ્રધાન મોદીએ સંરક્ષણ સંસ્થાના ટોચના અધિકારીઓ સાથે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતની જવાબી કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના અનુસાર, મોહન ભાગવત સાથેની બેઠકમાં પહલગામ હુમલા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી અને હાલના ઘટનાક્રમમાં તેને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
PM મોદીની ણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક
આ અગાઉ દિલ્હીમાં પીએમ આવાસ પર વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 29 એપ્રિલની સાંજે દોઢ કલાક સુધી હાઇ લેવલ બેઠક યોજાઈ હતી. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા બાદ મંગળવારે આગામી રણનીતિ માટે હાઇ લેવલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ. આતંકવાદનો જડબાતોડ જવાબ આપીશું. એટેકનો સમય, રીત અને ટાર્ગેટ સેના નક્કી કરે. સેનાની ક્ષમતા પર અમને સંપૂર્ણ ભરોસો છે. જડબાતોડ જવાબ આપવો રાષ્ટ્રીય સંકલ્પ છે.'
22 એપ્રિલના રોજ પહલગામના બેસરન મેદાનમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના લગભગ પાંચથી છ આતંકવાદીઓ ઘૂસ્યા હતા અને પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા.