મોદીનું મૌન : વિપક્ષોની સંસદમાં અકળામણ

- ઓપરેશન સિંદૂર, ટ્રમ્પના વિધાનો, મતદાર યાદી સહિતના મુદ્દે આજથી શરૂ થતાં સંસદના સત્રમાં ઘમાસાણના એંધાણ
- પહલગામમાં આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને વેપાર કરાર સહિતના મુદ્દાઓ પર પીએમ મોદીના નિવેદનની વિપક્ષની માગ
- કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર સહિત દરેક મુદ્દા પર નિયમો અને પરંપરા હેઠળ ચર્ચા માટે તૈયાર : કિરણ રિજિજૂ
- સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠક અઢી કલાક ચાલી
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, જે ૧૨ ઑગસ્ટે પૂરું થવાનું છે. આ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની સરકારની યોજના છે. બીજીબાજુ વિપક્ષે પણ પહલગામમાં આતંકી હુમલા, ઓપરેશન સિંદૂર, ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિરામ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દાવા, બિહારમાં એસઆઈઆર અભિયાન જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવા માટે તૈયારી કરી લીધી છે. ચોમાસુ સત્રના આગલા દિવસે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં સંકેતો મળી ગયા છે કે આ ચોમાસુ સત્ર પણ ભારે તોફાની બની રહેશે.
સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઈને સોમવારથી શરૂ થઈ રહ્યું છે, જે ૨૧ ઑગસ્ટે પૂરું થશે. જોકે, સત્રમાં ૧૨થી ૧૮ ઑગસ્ટ વચ્ચે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિનની ઉજવણી માટે બ્રેક લેવાશે. ૨૩ દિવસના આ સત્રમાં નવું ઈન્કમ ટેક્સ બિલ, ૨૦૨૫થી લઈને ૧૭ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની સરકારની યોજના મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ચોમાસુ સત્ર સુચારુરૂપે ચાલે અને મહત્વપૂર્ણ કામકાજ થઈ શકે તે માટે વિપક્ષ સાથે ચર્ચા કરવા માટે રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠક તોફાની બની રહી હતી.
સંસદમાં લગભગ અઢી કલાક ચાલેલી સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રના સુચારુ સંચાલન માટે વિપક્ષનો સહયોગ માગ્યો હતો. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર સહિત મહત્વના બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયારી બતાવી હતી. જોકે, વિપક્ષે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અને બિહારમાં ચૂંટણી પંચના મતદાર યાદીમાં વિશેષ ગહન પુનઃનિરીક્ષણ અભિયાન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સંસદમાં કોઈપણ મુદ્દા પર નિવેદન આપે તેવી સંભાવના નહિવત છે. જોકે, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ ખાતરી આપી હતી કે, ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં સિઝફાયર અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર જ્યારે ચર્ચા થશે ત્યારે સરકાર યોગ્ય જવાબ આપશે.
સોમવારે સંસદીય સત્રની શરૂઆત પહેલાં ફરજિયાત યોજાતી સર્વપક્ષીય બેઠક પછી સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યુ ંકે, સંસદના સુચારુ સંચાલન માટે સરકાર અને વિપક્ષ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. તેમણે સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષ અને એનડીએના પક્ષોને શાંતિથી સાંભળ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે આગામી સત્ર ખૂબ જ ઉત્પાદક બની રહેશે.
તેમણે ઉમેર્યુ ંકે, સરકાર બધા જ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ તે ચર્ચા સંસદના નિયમો અને પરંપરા હેઠળ જ થશે. સરકાર કોઈપણ ચર્ચાથી પાછળ નહીં હટે. વિપક્ષની માગ હતી કે પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા સમયે પીએમ મોદી પણ ગૃહમાં હાજર રહે અને વિપક્ષના સવાલોના જવાબ આપે. આ અંગે રિજિજૂએ કહ્યું કે, પીએમ મોદી ગૃહમાં હાજર જ હોય છે. ભલે તેઓ સીધી રીતે ચર્ચામાં ભાગ ના લે, પરંતુ સંસદ પરિસરમાં હંમેશા હાજર હોય છે. જોકે, સત્ર શરૂ થયાના બે દિવસમાં જ ૨૩થી ૨૬ જુલાઈ વચ્ચે વડાપ્રધાન બ્રિટન અને માલદિવ્સના વિદેશ પ્રવાસે જવાના છે.
કિરણ રિજિજૂએ કહ્યું કે, સરકારે અત્યાર સુધીમાં ૧૭ બિલ તૈયાર કર્યા છે, જે આ સત્રમાં સંસદમાં રજૂ કરાશે. વિપક્ષ તરફથી ઉઠાવાયેલા સવાલોના જવાબ સરકાર ગૃહમાં ચર્ચા સમયે જ આપશે. તેમણે ઉમેર્યું કે, સંસદનું સત્ર સુચારુરૂપે ચાલે તે શાસક પક્ષ અને વિપક્ષ બંનેની જવાબદારી છે. અનેક નાના પક્ષોને સંસદમાં બોલવા માટે પર્યાપ્ત સમય નથી મળથો. અમે તેના પર વિચાર કરીશું.
સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસ નેતા ગૌર ગોગોઈએ કહ્યું કે, ટ્રમ્પના દાવાઓ, પહલગામ આતંકી હુમલામાં સુરક્ષા ખામીઓ અને બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન પુનઃનિરીક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગૃહમાં વડાપ્રધાન મોદીના નિવેદનની વિપક્ષે માગ કરી છે. આ મુદ્દાઓ પર સંસદમાં નિવેદન આપવું એ વડાપ્રધાન મોદીની નૈતિક જવાબદારી છે. અમને આશા છે કે સરકાર તેની નૈતિક ફરજ પૂરી કરશે. વિપક્ષે ચીન અને પાકિસ્તાન સાથે બાંગ્લાદેશ એંગલથી સરહદ સુરક્ષા અને ટુ-ફ્રન્ટ થ્રેટ પર રણનીતિક ચર્ચાની માગ કરી છે. વધુમાં વિપક્ષે સરકારની વિદેશ નીતિ તેમજ મણિપુરમાં હિંસા તથા પૂર્વોત્તરની સ્થિતિ મુદ્દે પણ પીએમ મોદીના નિવેદનની માગ કરી છે.
- 8 નવા બિલ સાથે કુલ 17 બિલ રજૂ કરવા સરકારની તૈયારી
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઈને સોમવારથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્રમાં ૮ નવા બિલ સાથે કુલ ૧૭ બિલ રજૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારી છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, સરકાર ૮ નવા બિલ રજૂ કરશે. સરકાર નવું ઈન્કમટેક્સ બિલ, ૨૦૨૫ રજૂ કરવા સાથે મહત્વપૂર્ણ બિલોમાં મણિપુર જીએસટી (સુધારા) બિલ, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસસને વધુ છ મહિના લંબાવવા મટે એક બિલ લવાશે. જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) બિલ, ૨૦૨૫ પણ આ સત્રમાં રજૂ કરાશે, જેનો આશય વેપારીઓની સરળતા અને નિયામક અનુપાલનમાં સુધારો કરવાનો છે. આ સિવાય નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ, જીઓહેરિટેજ સાઈટ્સ એન્ડ જીઓ રેલિક્સ બિલ, નેશનલ એન્ટી-ડોપિંગ સુધારા બિલ અને માઈન એન્ડ મિનરલ્સ (ખનીજ અને ખાણ) સુધારા બિલનો સમાવેશ થાય છે.
- 64 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ કાયદામાં ફેરફારની તૈયારી
- નવા ઈન્કમ ટેક્સ બિલ અંગે સંસદીય સમિતિનો રિપોર્ટ આજે રજૂ કરાશે
- નવા બિલને સરળ ભાષામાં વિશેષરૂપે કાયદાકીય કેસો ઘટાડવા માટે ડિઝાઈન કરાયું છે : સમિતિ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ૧૩ ફેબુ્રઆરીએ લોકસભામાં નવું ઈન્કમટેક્સ બિલ રજૂ કર્યું હતું. જોકે, નવા બિલની ઝણવટપૂર્વક તપાસ માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપ નેતા ભાજપ નેતા બૈજયંત પાંડાના નેતૃત્વવાળી ૩૧ સભ્યોની સંસદીય સમિતિની નિમણૂક કરી હતી. આ પેનલના રિપોર્ટમાં નવા ટેક્સ બિલમાં ૨૮૫ ફેરફારોના સૂચન કરાયા હતા અને ૧૬ જુલાઈએ યોજાયેલી બેઠકમાં રિપોર્ટને મંજૂર કરી દેવાયો છે. હવે આ સમીક્ષા રિપોર્ટ આગળની કાર્યવાહી માટે ગૃહમાં રજૂ કરાશે. જૂના આઈટી એક્ટ, ૧૯૬૧ના કદની સરખામણીમાં નવું ઈન્કમ ટેક્સ બિલ અડધું છે. નવા બિલને સરળ ભાષામાં વિશેષરૂપે કાયદાકીય કેસો ઘટાડવા માટે ડિઝાઈન કરાયું છે.
નવા ઈન્કમ ટેક્સ બિલમાં એક મોટો ફેરફાર એ છે કે કરદાતા માટે આ બિલમાં અત્યાર સુધી અપનાવાયેલા 'એસેસમેન્ટ યર' અને 'પ્રીવિયસ યર'ની અવધારણાને યુનિફાઈડ 'ટેક્સ યર' એટલે કે 'કર વર્ષ'થી બદલવાની દરખાસ્ત કરાઈ છે. આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા એફએક્યુ મુજબ આ નવા બિલમાં શબ્દોની સંખ્યા વર્તમાન કાયદામાં ૫.૧૨ લાખની સરખામણીમાં હવે ઘટાડીને ૨.૬ લાખ થઈ ગઈ છે. આ સિવાય કલમોની સંખ્યા પણ અગાઉની ૮૧૯થી ઘટાડીને ૫૩૬ કરી દેવાઈ છે જ્યારે અધ્યાય પણ ૪૭થી ઘટાડીને ૨૩ કરી દેવાયા છે. નવા ઈન્કમ ટેક્સ બિલ, ૨૦૨૫માં કર લાભ અને ટીડીએસ-ટીસીએસ નિયમોને સ્પષ્ટ કરવા માટે ૫૭ ટેબલ છે જ્યારે વર્તમાન કાયદામાં માત્ર ૧૮ ટેબલ હતા. સાથે જ તેમાં ૧,૨૦૦ જોગવાઈ અને ૯૦૦ ખુલાસા હટાવાયા છે.








