આત્મનિર્ભર ભારત માટે મોદીનું પાંચ 'આઈ'નું સૂત્ર
- અર્થતંત્રને મજબૂત કરવાનું વડાપ્રધાનનું લક્ષ્ય
- ઉદ્યોગોને ગ્રામીણ અર્થતંત્રમાં રોકાણ કરવા અને ખેડૂતો સાથે ભાગીદારીનો રસ્તો ખૂલ્યો હોવાનો લાભ લેવા મોદીની હાકલ
નવી દિલ્હી, તા. 2 જૂન 2020, મંગળવાર
કોરોનાવાઈરસ મહામારીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્રમાં તેજી લાવવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ શ્રેણીમાં આગળ વધતાં વડાપ્રધાન મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે આપણી સરકાર ખાનગી સેક્ટરને દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર માને છે. ભારતને ફરીથી ઝડપથી વિકાસના માર્ગે આગળ લાવવા, આત્મનિર્ભર બનાવવા માટે પાંચ 'આઈ' ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાયેલા હિસ્સેદારોની દરેક જરૂરિયાતોનું ધ્યાન રખાશે.
મોદીએ જણાવ્યું હતું કે આ પાંચ આઈ છે - ઈન્ટેન્ટ એટલે કે આશય, ઈન્ક્લૂઝન એટલે કે સમાવેશ, ઈન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાગત સુવિધા અને ઈનોવેશન એટલે કે નવીનતા. તેમણે ઉદ્યોગોને ગ્રામીણ અર્થતંત્રમાં રોકાણ કરવા અને ખેડૂતો સાથે ભાગીદારીનો રસ્તો ખૂલ્યો હોવાનો લાભ લેવા હાકલ કરી હતી.
વડાપ્રધાને કહ્યું કે હવે ગામડાંની પાસે પણ લોકલ એગ્રો પ્રોડક્ટ્સના ક્લસ્ટર્સ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઈ રહ્યું છે. તેમાં સીઆઈઆઈના તમામ મેમ્બર્સ માટે તક છે. દેશમાં આજે મેટ્રોના કોચની નિકાસ થઈ રહી છે. મોદીએ ઉમેર્યું હતું કે હવે આપણે એક એવી મજબૂત સ્થાનિક સપ્લાય ચેઈન ઊભી કરવાની છે કે જે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની હિસ્સેદારી મજબૂત કરે.
વડાપ્રધાને કહ્યું, ભારતીય ઉદ્યોગ પાસે એક સ્પષ્ટ રસ્તો છે, આત્મનિર્ભર ભારત. સ્પેસ, પરમાણુ ઊર્જા જેવા સેક્ટરમાં પણ દરેક તકો ઉદ્યોગપતિઓની રાહ જોઈ રહી છે. ભારતની આર્થિક વૃદ્ધિ અંગે આશંકાના પગલે મૂડીસે ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટાડીને જંકથી ઉપલા સ્તરે કર્યાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ નિશ્ચિતપણે આર્થિક વૃદ્ધિના માર્ગે પછો આવશે. તેમણે લૉકડાઉન દરમિયાન હાથ ધરવામાં આવેલા સુધારાઓથી લાંબાગાળે અર્થતંત્રને મદદ મળશે તેમ જણાવ્યું હતું.