મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

- દિલ્હી યુનિ.એ સીઆઈસીનો આદેશ પડકાર્યો હતો
- જાહેર હોદ્દો સંભાળનાર માટે ડિગ્રી કોઈપણ પ્રકારની કાયદાકીય જરૂરિયાત નહીં: કોર્ટ
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી જાહેર કરવા સીઆઈસીએ આપેલા આદેશને કોરાણ મૂકી દીધો છે. આ માટે આ વ્યક્તિગત માહિતી હોવાનું કારણ આપ્યું છે. તેની સાથે આ પ્રકારની માહિતી વ્યાપક પાયા પરની જાહેર હિતની માહિતી હોવાની વાત પણ નકારી કાઢી છે.
આ કેસ પર ૨૭મી ફેબુ્રઆરીના રોજ ચુકાદો અનામત રાખનારા ન્યાયાધીશ સચિન દત્તા સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. જજે જણાવ્યું હતું કે લોકોને કશામાં રસ હોવો તે જુદી બાબત છે અને જાહેરહિત હોવાનું જુદી બાબત છે.
નીરજ નામની વ્યક્તિએ કરેલી આરટીઆઈ અરજીના પગલે સીઆઈસીએ ૨૧ ડિસેમ્બર ૨૦૬ના રોજ ૧૯૭૮માં બીએની પરીક્ષા પાસ કરનારા બધા જ વિદ્યાર્થીઓના રેકોર્ડ્સની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. આ વર્ષે વડાપ્રધાન મોદીએ પણ પરીક્ષા પાસ કરી હતી.
હાઈકોર્ટે ૨૩ જુલાઈ ૨૦૧૭ના આદેશ પર મનાઈહુકમ આપ્યો હતો. સોમવારે ચુકાદામાં જણાવાયું હતું કે આરટીઆઈ અરજી હેઠળ જે માહિતી માંગવામાં આવી છે તે વ્યાપક જાહેરહિતમાં નથી અને જણાવ્યું હતું કે કોઈપણ જાહેર હોદ્દો સંભાળવા માટે કોઈપણ પ્રકારનો માપદંડ કાયદાકીય જરુરિયાત નથી અથવા તેના આધારે તેને સત્તાવાર જવાબદારીથી દૂર ન કરી શકાય.








