- ઇન્દિરા ગાંધી અમેરિકાની ધમકીઓથી નહોતા ડર્યા
- બહુ મોટી છાતી હોવાથી કોઇ મજબુત નથી બની જતું, સામાન્ય કદકાઠીવાળા ગાંધીજી અંગ્રેજો સામે લડયા હતા : કોંગ્રેસ સાંસદ
બિહારના બેગુસરાઇ અને ખગરીયા જિલ્લામાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર વખતે ડોનાલ્ડ ટ્રમ્પના એક ફોન કોલથી ૫૬ ઇંચની છાતીવાળા નરેન્દ્ર મોદીને પેનિક એટેક આવી ગયો હતો. જે બાદ પાકિસ્તાન સાથેનું સૈન્ય ઘર્ષણ બે જ દિવસમાં અટકી ગયું હતું. નરેન્દ્ર મોદી ન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પથી ડરી રહ્યા છે સાથે સાથે અદાણી અને અંબાણીના રિમોટ કન્ટ્રોલથી ચાલે છે. તેમણે કહ્યું હતું કે ૧૯૭૧ના યુદ્ધ સમયે પણ ભારતના તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને અમેરિકાએ ધમકીઓ આપી હતી પરંતુ આ ધમકીઓથી ઇંદિરા ગાંધી ડર્યા નહોતા અને એ જ કર્યું જે જરૂરી હતું. પરંતુ જ્યારે ટ્રમ્પે મોદીને ઓપરેશન સિંદૂર અટકાવવા કહ્યું તો મોદીએ અટકાવી દીધુ હતું.
રાહુલે વધુમાં કહ્યું હતું કે બેરોજગારી સહિતના દેશના મહત્વના મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે મોદી યુવાઓને રીલ્સ જોવાની સલાહ આપી રહ્યા છે. મોદી કહે છે કે ભાજપે તમને રીલ્સ બનાવવા કે જોવા સસ્તુ ઇન્ટરનેટ આપ્યું છે. પરંતુ જ્યારે તમે સોશિયલ મીડિયા પર રીલ્સ જોવો છો ત્યારે રૂપિયા અંબાણીને મળે છે.
બીજી તરફ બિહારમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ, પ્રિયંકા, કન્હૈયા કુમાર અને અપક્ષ સાંસદ પપ્પુ યાદવને કોંગ્રેસના સ્ટાર પ્રચાર નિમવામાં આવ્યા છે. અન્ય નેતાઓમાં રણદીપ સુરજેવાલા, કે. સી. વેણુગોપાલ, ભુપેષ બઘેલ, સચીન પાયલોટ, અશોક ગેહલોત વગેરેનો સમાવેશ થાય છે.
- રાહુલ માછીમારો સાથે તળાવમાં કુદી પડયા
બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રવિવારે એક તળાવમાં કુદી પડયા હતા. માછીમારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ આમ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બેગુસરાઇમાં રેલીને સંબોધ્યા બાદ માછીમારો સાથે વાતચીત કરવા માટે રાહુલ ગાંધી એક બોટમાં સવાર થઇને તળાવની વચ્ચે પહોંચ્યા હતા. બાદમાં માછીમારો સાથે તળાવમાં જ કુદી પડયા હતા. આ દરમિયાન બહુ જ મોટી સંખ્યામાં માછીમારો પણ હાજર રહ્યા હતા.


