India

મોદી આજે જી-7 સમિટ માટે રવાના થશે, ત્રણ દેશોની મુલાકાત લેશે

By GS TEAM
15 Jun 20252 mins read
મોદી આજે જી-7 સમિટ માટે રવાના થશે, ત્રણ દેશોની મુલાકાત લેશે

- મોદી છઠ્ઠી વખત જી-7 સમિટમાં સામેલ થશે

- 15મીએ સાઇપ્રસ, 16-17 કેનેડા, 18મીએ ક્રોએશિયાની મુલાકાત બાદ 19મીએ ભારત પરત ફરશે

- બે દસકામાં પ્રથમ વખત ભારતના વડાપ્રધાન સાઇપ્રસની મુલાકાત લેશે, જી-7 અને મહેમાન દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે 

ઓટાવા/નવી દિલ્હી : કેનેડામાં રવિવારથી જી-૭ સમિટ શરૂ થવા જઇ રહી છે, આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. તેઓ કેનેડા ઉપરાંત અન્ય બે દેશોની પણ મુલાકાત લેશે. મોદી સૌથી પહેલા સાઇપ્રસ જશે, ૧૫ અને ૧૬મી જૂન સુધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. જે બાદ મોદી કેનેડા પહોંચશે જ્યાં જી-૭ દેશોના વડાઓ સાથે મુલાકાત કરશે.

૧૫મી જૂનથી વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસ શરૂ થશે, સાઇપ્રસ બાદ કેનેડા અને ત્યાર બાદ ૧૮મી જૂનના રોજ તેઓ ક્રોએશિયા દેશની મુલાકાત લેશે. બાદમાં ૧૯મી તારીખે તેઓ ભારત પરત ફરશે. એટલે કે મોદી ૧૫થી ૧૯મી જૂન દરમિયાન વિદેશ પ્રવાસ કરશે. વડાપ્રધાનની આ મુલાકાતથી ત્રણ દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થવાની આશા છે. મોદીની આ મુલાકાત યૂરોપીય સંઘ અને વૈશ્વિક મંચ પર ભારતની મજબુત સ્થિતિ બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

સૌથી પહેલા મોદી સાઇપ્રસ નામના દેશની મુલાકાત લેવાના છે, આ દેશના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૂલાઇડ્સે વડાપ્રધાન મોદીને મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. છેલ્લા બે દસકમાં પ્રથમ વખત ભારતના વડાપ્રધાન સાઇપ્રસની મુલાકાત માટે જઇ રહ્યા છે. મોદી સાઇપ્રસના પ્રમુખની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી ચર્ચા કરશે. જે બાદ ૧૬મી જૂનના રોજ વડાપ્રધાન મોદી કેનેડા પહોંચશે, કેનેડામાં ત્રણ દિવસ માટે જી-૭ સમિટ યોજાવા જઇ રહી છે, મોદી બે દિવસ સુધી આ સમિટનો હિસ્સો રહેશે. જી-૭ સમિટમાં વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત સામેલ થઇ રહ્યા છે. 

જી-૭ દેશો તેમજ અન્ય મહેમાન દેશના વડાઓની સાથે મોદી મુલાકાત કરશે. જી-૭ દેશોમાં સાત આર્થિક રીતે મજબુત ગણાતા દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા અને બ્રિટનનો સમાવેશ થાય છે. આ દેશના વડાઓની સાથે પણ મોદીની મુલાકાત થશે. જે દરમિયાન ઉર્જા સુરક્ષા, ટેક્નોલોજી અને ઇનોવેશન, ક્વાંટમ ટેક્નોલોજી વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. મોદી આ દરમિયાન દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો પર તાજેતરમાં માઠી અસર જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરવાની આશા છે.