India

મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

By GS TEAM
10 Sep 20252 mins read
મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

- પીએમ પંજાબના ગુરદાસપુરમાં પૂર પીડિતોને મળ્યા

- પંજાબને રૂ. 1600 કરોડ, હિમાચલને રૂ. 1500 કરોડ, મૃતકોના પરિવારને રૂ. બે લાખની સહાય મળશે

અમૃતસર : પંજાબ અને હિમાચલમાં વરસાદ, પૂર, વાદળ ફાટવા સહિતની ઘટનાઓએ ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને પંજાબમાં તાજેતરમાં અનેક ગામડાઓ પાણી ડુબી ગયા હતા. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબને ૧૬૦૦ કરોડ જ્યારે હિમાચલ પ્રદેશને ૧૫૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાને આ બન્ને રાજ્યોના સૌથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ અને હિમાચલ પ્રદેશની સ્થિતિના જાણકારી મેળવી હતી જે બાદ આ સહાયની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી આ દરમિયાન એરીયલ સરવે કર્યો હતો. કાંગરામાં તેમણે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી અને સમગ્ર સ્થિતિનો રિપોર્ટ લીધો હતો. આ દરમિયાન કેવી રાહત કામગીરી ચાલી રહી છે તેની પણ જાણકારી લીધી હતી. જે પણ લોકો વાદળ ફાટવા કે ભુસ્ખલનને કારણે માર્યા ગયા હોય તેમના પરિવારને બે લાખની જ્યારે ઘાયલ થયેલાને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સુખુ સાથે બેઠક યોજી હતી જે બાદ રાજ્યને ૧૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી. 

પંજાબમાં વરસાદ, પૂરને કારણે ૧૯૮૮ પછી સૌથી ખરાબ પરિસ્થિતિ છે, લાખો એકર જમીન ધોવાઇ ગઇ છે, ગામડા પાણીમાં ડુબી ગયા છે. અનેક નાળા, પુલ તુટી ગયા છે. રોડ ધોવાઇ ગયા છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ પંજાબને કેન્દ્ર સરકાર તરફથી ૧૬૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મોદી હિમાચલથી સીધા પંજાબના ગુરદાસપુર પહોંચ્યા હતા કે જ્યાં પૂરે ભારે તારાજી સર્જી છે. તેમણે અહીંયા પૂર પીડિતોની સાથે સ્થાનિક રેસ્ક્યૂ ટીમની પણ મુલાકાત કરી હતી. તેમણે પંજાબના રાજ્યપાલ, કૃષિ મંત્રી, કેન્દ્રીય મંત્રી વગેરે સાથે બેઠક યોજી હતી જે બાદ ૧૬૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી.