Get The App

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે 1 - image


- મોદીનો છેલ્લા 11 વર્ષમાં છઠ્ઠો ચીન પ્રવાસ હશે

- અમેરિકા પ્રમુખ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપવા મોદી - પુતિન અને જિનપિંગ એક થવાની શક્યતા

બેજિંગ : ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતના ૨૦ જેટલા જવાનો શહીદ થયા હતા ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા. આ ઘટના બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે જઇ શકે છે. આગામી ૩૧મી ઓગસ્ટના રોજ ચીનના તીયાંજીન શહેરમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ યોજાવા જઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે મોદી ચીન જશે તેવા અહેવાલો છે. જોકે મોદી ચીન જાય તે પહેલા તેઓ જાપાનની મુલાકાત લેશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં ચીનની મુલાકાતે ગયા હતા, તે બાદ ક્યારેય ચીન નથી ગયા. જોકે ઓક્ટોબર ૨૦૨૪ના રોજ કઝાનમાં યોજાયેલ બ્રિક્સ સમિટમાં મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા. હવે તેઓ ફરી જિનપિંગ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે. જોકે મોદી ચીન જશે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઇ જ માહિતી જાહેર કરવામાં આવી નથી. એવા અહેવાલો છે કે મોદી સૌથી પહેલા ૨૯મી ઓગસ્ટના રોજ જાપાનની મુલાકાતે જશે. જે બાદ તેઓ શાંઘાઇ સમિટમાં ભાગ લેવા ચીન જશે. 

તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, રશિયા અને ચીન ત્રણેય દેશોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે મિત્રતાભર્યા સંબંધો છે, એવામાં ભારત અને ચીન વચ્ચે પણ સંબંધોમાં સુધારો આવવાની આશા છે. ચીનમાં યોજાનારી શાંઘાઇ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગની સાથે રશિયાના પ્રમુખ પુતિન સાથે જોવા મળશે. જે આડકતરી રીતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક આકરો સંદેશો માનવામાં આવી શકે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ  ભારતને રશિયા પાસેથી ઓઇલની ખરીદી ના કરવા ધમકી આપી રહ્યા છે. ભારતે ટ્રમ્પને તેનો આકરો જવાબ આપી દીધો છે. 

નોંધનીય છે કે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૫માં સત્તાવાર રીતે ચીનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે બેજિંગ, શાંઘાઇ અને શિયાનની મુલાકાત લીધી હતી. જે બાદ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ બીજી વખત તેઓ ચીન ગયા હતા અને જી-૨૦ સમિટમાં ભાગ લીધો હતો. ત્રીજી મુલાકાત ૨૦૧૭માં થઇ હતી, ત્યારે મોદીએ બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. તે પછી ૨૦૧૮ અને ૨૦૧૯માં મુલાકાત લીધી હતી. એટલે કે છેલ્લા ૧૧ વર્ષમાં વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત ચીનની મુલાકાતે જઇ શકે છે.

Tags :