મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે
- મોદીએ પર્યટકોની સુરક્ષા ના કરી : કોંગ્રેસ અધ્યક્ષ
- મોદી પર હુમલો રોકવાની નિષ્ફળતાનો આરોપો લગાવીને ખડગે સેનાનું મનોબળ તોડી રહ્યા છે : ભાજપ
નવી દિલ્હી : કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહલગામમાં હુમલો થશે તેની જાણકારી અગાઉ મળી ગઇ હતી, અને તેથી જ તેમણે આ હુમલાના ત્રણ દિવસ પહેલા જ પોતાની કાશ્મીરની મુલાકાતને રદ કરી નાખી હતી. હુમલાની ગુપ્ત માહિતી એજન્સીઓ પાસે પણ હતી, છતા સરકાર કાશ્મીરમાં નાગરિકોની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી. આ ગુપ્ત રિપોર્ટમાં મોદીને એલર્ટ કરાયા હતા અને પોતાનો પ્રવાસ રદ કરવાની સલાહ અપાઇ હતી. બાદમાં મોદીએ પોતાનો પ્રવાસ તો રદ કર્યો પણ સ્થાનિક પોલીસ, સેનાને એલર્ટ ના કરી.
ઝારખંડની રાજધાની રાંચીમાં સંવિધાન બચાવો રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે મોદીને ત્રણ દિવસ અગાઉ જ હુમલાની જાણકારી મળી ગઇ હતી, એક ગુપ્ત રિપોર્ટ મોદીજીને મોકલવામાં આવ્યો હતો, જેને કારણે મોદીજીએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ કરી નાખ્યો હતો. જ્યારે ગુપ્ત રિપોર્ટ કહી રહી છે કે મોદી માટે કાશ્મીર જવુ સુરક્ષિત નથી, તો મોદીએ નાગરિકોની સુરક્ષાની વ્યવસ્થા થાય તે માટે આ ગુપ્ત રિપોર્ટની જાણ સુરક્ષાદળોને, સ્થાનિક કાશ્મીરની પોલીસ અને એજન્સીઓને કેમ ના કરી?
ખડગેએ દાવો કર્યો હતો કે જ્યારે મોદીને હુમલો થશે તેવી જાણકારી મળી તો તેમણે પોતાનો કાર્યક્રમ રદ કરી નાખ્યો પરંતુ કાશ્મીરમાં પર્યટકોની સુરક્ષા માટે વધુ સુરક્ષાદળો અને પોલીસને ના મોકલી. સર્વપક્ષીય બેઠકમાં સરકારે પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો. પહલગામ હુમલામાં લોકો માર્યા ગયા તે માટે કેન્દ્ર સરકારને જવાબદાર કેમ ના ઠેરવી શકાય?
ખડગેએ સાથે દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાકિસ્તાન સામેના કોઇ પણ પગલા માટે કેન્દ્ર સરકારની સાથે છે. બીજી તરફ ઝારખંડ ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો. ઝારખંડ ભાજપ પ્રમુખ બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે ઇન્ટેલિજન્સ નિષ્ફળતા મુદ્દે ખડગે દ્વારા મોદીની ટિકા સુરક્ષાદળોનું મનોબળ તોડવા માટે છે. કોંગ્રેસ અધ્યક્ષ સેનાનું મનોબળ તોડવા માગે છે. પહલગામમાં પર્યટકો પર આતંકી હુમલામાં નેવી ઓફિસર લે. વિનય નરવાલ શહીદ થયા હતા, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના કર્નાલમાં રહેતા નરવાલના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમની સાથે દોઢ કલાક વિતાવ્યો હતો. બાદમાં રાહુલે એક્સ (ટ્વિટર) પર આ મુલાકાતની જાણ કરતા કહ્યું હતું કે સમગ્ર દેશ શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારની સાથે છે. ભારત તરફ કોઇ આંખ ઉઠાવી ના શકે તે માટે આકરા જવાબ આપવા વિપક્ષ કેન્દ્ર સરકારની સાથે છે.