India

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી

By GS TEAM
22 Mar 20262 mins read
મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી

- વડાપ્રધાને ગેસ, પેટ્રોલ, ડીઝલના સપ્લાય પર સાડા ત્રણ કલાક ચર્ચા કરી

- અમેરિકાથી ગેસ અને રશિયાથી ક્રૂડ ઓઇલ લઇને બે જહાજો ભારત પહોંચ્યા, ભાવ વધારાને કાબુમાં રાખવા મદદ મળશે 

- સરકારી ઇમારતો, હોટેલ, રેસ્ટોરાં, કેન્ટીન સહિતના સ્થળે પીએનજીને પ્રાથમિકતા આપવા કંપનીઓને આદેશ

- કોમર્શિયલ સિલિન્ડરોની વિતરણ મર્યાદા વધારાઇ હાલ ગેસની કોઇ જ અછત નથી તેવો સરકારનો દાવો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે પોતાના સત્તાવાર નિવાસ સ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર એક ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠક બોલાવી હતી. જે સાડા ત્રણ કલાક ચાલી હતી. ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધ વચ્ચે મિડલ ઇસ્ટમાં હાલ ભારે તંગદીલી છે, એવામાં પેટ્રોલિયમ, કાચુ તેલ, ગેસ, વીજળી વગેરે મુદ્દે ચર્ચા કરવા માટે મોદીએ આ બેઠક બોલાવી હતી. મુખ્યત્વે દેશમાં પેટ્રોલ ડીઝલ, ગેસ, ખાદ્ય સામગ્રીઓ વગેરેની કોઇ અછત ઉભી ના થાય તેની કાળજી રાખવા જરૂરી પગલા પર ચર્ચા કરવા આ બેઠક મળી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણા મંત્રી નિર્મલા સિતારામન, જે. પી. નડ્ડા, હરદીપ પુરી, મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે એલપીજીનો સપ્લાય પુરવઠો હાલ સામાન્ય છે અને અછતની કોઇ જ સ્થિતિ નથી. લોકોેને ગેસના સિલિન્ડર મળી રહ્યા છે. હોટેલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન વગેરેમાં પીએનજી કનેક્શન લગાવવાની  કંપનીઓને સરકારે સલાહ આપી છે. 

સરકારે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને કહ્યું છે કે તે પાઇપ લાઇન વાળુ ગેસ કનેક્શન વધારે. સરકારી કચેરીઓમાં પણ પીએનજીને પ્રાથમિકતા આપવામાં આવશે.  સરકારે કહ્યું છે કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની ફાળવણીની મર્યાદા વધારી દીધી છે. 

૨૧ તારીખના પત્રમાં કેન્દ્ર સરકારે રાજ્યોને કોમર્શિયલ એલપીજીનું ૨૦ ટકા વધુ વિતરણ કરવાની મંજૂરી આપી દીધી છે. જેને પગલે કુલ વિતરણ વધીને ૫૦ ટકા થઇ જશે.

 મિડલ ઇસ્ટમાં તંગદીલી વચ્ચે રશિયાથી ક્રૂડ ઓઇલ સાથે એક્વા ટાઇટન અને અમેરિકાના એલપીજી સાથે પિક્સિસ પાયોનિયર જહાજો રવિવારે સવારે કર્ણાટકના  મેંગલુરુ પોર્ટ પર પહોંચી ગયા હતા. જેને પગલે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની કિમતોને કાબુમાં રાખવામાં મદદ મળી રહેશે.