મોદી સરકારે શેરડીના એમએસપીમાં વધારો કર્યો
પ્રતિ ક્વિન્ટલ પાંચ રુપિયાનો વધારો કરાયો
શેરડીના ઉત્પાદનને વેગ આપવા સરકારે લીધો નિર્ણય
નવી દિલ્હીઃ મોદી સરકારે શેરડીના લઘુત્તમ સમર્થિત ભાવ (એમએસપી)ના મૂલ્યમાં વધારો કરીને પ્રતિ ક્વિન્ટલ 285થી વધારી 290 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી આર્થિક કાર્યસંબંધી મંત્રીમંડળની બેઠક પછી ખાદ્ય તેમજ વપરાશ મામલાના પ્રધાન પીયૂષ ગોયલે આ જાણકારી આપી. આમ નાણાકીય વર્ષ 2021-22 માટે આ નવું મૂલ્ય અમલી રહેશે.
કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયના લીધે શેરડી ઉગાડતા ખેડૂતોને તેનો નિશ્ચિત ભાવ મળશે અને ખેડૂતો શેરડીની ખેતી માટે પ્રોત્સાહિત થશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ખાંડના કારખાનાઓનું કામ ચાલુ રહેશે અને તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે ખાંડનું ઉત્પાદન દેશમાં ફક્ત માંગની પૂર્તિ માટે જ નહી નિકાસ માટે પણ થાય. સરકારના આ નિર્ણયના પગલે સમગ્ર દેશના પાંચ કરોડ ખેડૂતોને ફાયદો થશે.
નાણાકીય વર્ષ 2020-21 માટે ખેડૂતો માટે શેરડીનો એમએસપી પ્રતિ ક્વિન્ટલ 285 હતો. દર વર્ષે શેરડીનો પાક લેવાનો પ્રારંભ થાય તે પૂર્વે સરકાર તેના ભાવની જાહેરાત કરે છે. સુગર મિલોએ આ લઘુત્તમ મૂલ્ય શેરડીના ખેડૂતોને આપવાનું હોય છે. જો કે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ જેવા ઘણા રાજ્ય પોતાના એમએસપીની જાહેરાત કરે છે જે કેન્દ્રના ભાવથી વધારે હોય છે. તાજેતરમાં જ પંજાબ સરકારે શેરડીના ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ 360 રૂપિયાના એમએસપીની જાહેરાત કરી ત્યારે તેમના આંદોલનનો અંત આવ્યો હતો.