સરકારનો મોટો નિર્ણયઃ સરોગસીથી માતા બનનારી સરકારી કર્મચારીઓને પણ મેટરનિટી લીવ
Image: Envato |
Maternity Leaves Rules Amendments: સરોગસીથી માતા બનનારી મહિલાઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આ મામલે 50 વર્ષ જુના નિયમોમાં સંશોધન કરતાં સરકારી મહિલા કર્મચારીઓને 6 મહિનાની મેટરનિટી લીવ આપવા માટે નિયમોમાં સુધારા કર્યા છે. નવા નિયમ અનુસાર પિતાને પણ પેટરનિટી લીવ આપવા મંજૂરી આપી છે. કેન્દ્રિય સિવિલ સેવા (લીવ) રૂલ્સ 1972 અનુસાર, માતા બાળકની સંભાળ રાખવા માટે લીવ લઈ શકશે. તેમજ પિતા પણ 15 દિવસની પેટરનિટી લીવ લઈ શકશે.
શું છે સરોગસી પ્રેગનન્સી
સરોગસી પ્રેગનન્સી એટલે કે કોઈ સ્ત્રી (સરોગેટ) અન્ય વ્યક્તિ અથવા દંપતિ (ઈચ્છિત માતા/પિતા) વતી બાળકનું તેના કૂખમાં વહન કરી બાળકને જન્મ આપશે. સરકારની સત્તાવાર નોટિફિકેશન મુજબ 'કમિશનિંગ માતા' એટલે સરોગસી દ્વારા જન્મેલા બાળકની ઇચ્છુક માતા. અને 'કમિશનિંગ પિતા' એટલે સરોગસીથી જન્મેલા બાળકના ઇચ્છુક પિતા. જ્યારે 'સરોગેટ માતા' એટલે કમિશનિંગ માતા વતી બાળકને જન્મ આપનાર સ્ત્રી.
નવા નિયમમાં શું જોગવાઈ કરવામાં આવી છે?
અત્યારસુધી સરોગસી મારફત બાળકના જન્મની સ્થિતિમાં મહિલા કર્મચારીઓ માટે કોઈ મેટરનિટી લીવની જોગવાઈ ન હતી. હવે નવા નિયમોમાં સરોગસી મારફત બાળકને જન્મ આપનાર સરોગેટ માતા અને કમિશનિંગ માતા જો તે બંને અથવા કોઈ એક સરકારી કર્મચારી હોય અને તે બે કરતાં ઓછા હયાત બાળકો ધરાવતી હોય તો તેમણે ડિલિવરીની તારીખથી 6 મહિનાની અંદર 15 દિવસની પેટરનિટી અને 180 દિવસની મેટરનિટી લીવ મળી શકશે.
પેટરનિટી લીવની પણ જોગવાઈ
સરોગસી દ્વારા જન્મેલા બાળકના કમિશનિંગ પિતા કે જેઓ સરકારી કર્મચારી છે અને બે કરતા ઓછા હયાત બાળકો છે તો પિતાને બાળકના જન્મ તારીખથી 6 મહિનાની અંદર 15 દિવસની પેટરનિટી લીવ મળી શકશે. કમિશનિંગ માતાને સરોગસીના કિસ્સામાં જો તે બે કરતાં ઓછા હયાત બાળકો હોય તો બાળક સંભાળવાની રજા મળી શકે છે.
વર્તમાન નિયમો અનુસાર, એક મહિલા અને પુરૂષ કર્મચારી પોતાના સેવાકાળ દરમિયાન વધુમાં વધુ 730 દિવસની ચાઈલ્ડ કેયર લીવ લઈ શકે છે. જેમાં બે બાળકની સંભાળ, શિક્ષણ, અને બીમારી જેવી તમામ બાબતો સામેલ છે.