સરકારી નોકરીવાંચ્છુંઓને મોદી સરકારની ભેટ, અલગ-અલગ પરીક્ષાઓ આપવામાંથી મુક્તિ
- નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીનું થશે ગઠન, જે કોમન એલિજિબિલિટિ ટેસ્ટ લેશે
નવી દિલ્હી, તા. 19 ઓગસ્ટ 2020, બુધવાર
દેશમાં નોકરીનો પ્રશ્ન એક મોટી સમસ્યા છે જેનાથી કોઈ અજાણ નથી. હર કોર સારી નોકરીની શોધમાં જ હોય છે અને તેમાં પણ ખાસ કરીને સરકારી નોકરી માટે આજના સમયમાં યુવાનો પડાપડી કરે છે. નોકરી માટે યુવાનો કેટલીય જગ્યાએ ધક્કા ખાય છે અને સાથે જ કેટકેટલીટ એક્ઝામ આપવા અલગ અલગ સ્થળોએ જવું પડે છે.
મોદી સરકારે તેનું સમાધાન કાઢ્યું છે અને આજે થયેલી કેબિનેટ મીટિંગમાં નેશનલ રિક્રુટમેન્ટન એજન્સીના ગઠનને લીલીઝંડી આપી દીધી છે. જેનાથી નોકરી શોધતા યુવાનોને ઘણી રાહત મળશે.
કેબિનેટમાં લેવાયેલા નિર્ણય વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, નોકરી માટે યુવાનોએ ઘણી પરિક્ષાઓ આપવી પડે છે. ઘણી ભરતી એજન્સીઓ છે, તેવામાં એજન્સીઓ માટે પરીક્ષા આપવા અનેક જગ્યાએ જવું પડે છે. સરકારી ભરતી પરીક્ષાઓના કાર્યક્રમ, આવેદન પ્રક્રિયા અને શુલ્ક અલગ-અલગ હોય છે. જેનાથી ઘણીવાર ભૂલો થાય છે. ગ્રામિણ મહિલાઓ અને દિવ્યાંગોને મુશ્કેલી થતી હોય છે.
તેમણે કહ્યું, આ મુશ્કેલીઓને ઉકેલવા માટે કેબિનેટ દ્વારા નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી સ્થાપિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ગૃપ બી અને ગૃપ સીની 1.25 લાખથી વધારેની જગ્યા માટે દર વર્ષે અઢીથી ત્રણ કરોડ લોકો પરીક્ષા આપે છે. આ પરીક્ષા આઈબીપીએસ, એએસી અને આરઆરબી દ્વારા લેવામાં આવે છે. હવે આ અલગ-અલગ પરીક્ષાની જગ્યાએ એક જ પરીક્ષા લેવાશે.
નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી(NRA) હવે કોમન એલિજબિલિટિ ટેસ્ટ(CET) લેશે
મંત્રીએ જણાવ્યું કે, આજે નોકરી માટે યુવાનોને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. આ બધુ સમાપ્ત કરવા માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજબિલિટિ ટેસ્ટ લેશે. દેશમાં લગભગ 20 રિક્રુટમેન્ટ એજન્સી છે તેને સમાપ્ત કરી સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. યુવાનો તરફથી આ ઘણા સમયથી માંગ ઉઠી રહી હતી પંરતુ થઈ નહોતું રહ્યું. હવે NRAના ગઠનથી તેમની મુશ્કેલી દૂર થશે. તેમના પૈસા પણ બચશે અને માનસિક સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે. વધારે ભાગ-દોડ નહી કરવી પડે અને એક જ પરીક્ષાથી યુવાનોને આગળ વધવાની તક મળશે.