'યુદ્ધવાર્તા' સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !!
- ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા : આતંકીઓ ફરાર
- 1971ના યુદ્ધ પૂર્વે કરાઇ હતી તેવી હવાઇ હુમલાની ચેતવણી આપતી સાયરનની વ્યવસ્થા, નાગરિકોને સ્વબચાવની તાલિમ જેવી મોક ડ્રીલ કરવા ગૃહ મંત્રાલયનો રાજ્યોને આદેશ
- પહલગામના હુમલાખોરોને શરણ આપનારા યુવકનું કસ્ટડીમાંથી છટકીને નદીમાં ખાબકતા મોત
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલ બેઠકો યોજવામાં આવી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને મોકડ્રિલ કરવાના આદેશ આપ્યા છે. અહેવાલો મુજબ મંત્રાલયે સાત મેના રોજ નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આ મોક ડ્રિલ કરવા રાજ્યોને આદેશ આપ્યો છે. અગાઉ નાગરિકોની સુરક્ષા માટેનો આ પ્રકારનો અભ્યાસ ૧૯૭૧ના પાક. સાથેના યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો.એવા અહેવાલો છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોક ડ્રિલ કરવાના રાજ્યોને આદેશ આપ્યા છે તેમાં યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવાના વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. જેમ કે હવાઇ હુમલાની ચેતવણી આપતા સાયરન સંચાલિત કરવા, દુશ્મન દેશના હુમલા સમયે નાગરિકોએ કેવી રીતે પોતાની સુરક્ષા કરવી જોઇએ તેની માહિતી આપવી, મહત્વપૂર્ણ ઇમારતો, સંસ્થાઓ વગેરેને યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે સુરક્ષીત રાખવા તેની તાલિમ આપવી, બંધક બનાવવાની સ્થિતિમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેની નાગરિકોને જાણકારી આપવી વગેરેનો સમાવેશ થાય છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેના, એરપોર્સ અને નેવીના વડાઓની સાથે ગુપ્ત બેઠક યોજી હતી, હવે મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે ફરી એક વખત બેઠક યોજી છે. જે પહેલા મોદીએ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. એક દિવસ પહેલા જ મોદીએ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહની સાથે બેઠક યોજી હતી. ભારત પાકિસ્તાનની સરહદે સ્થિતિ તેમજ કાશ્મીર સુરક્ષા વગેરે મુદ્દાઓ પર આ બેઠકોમાં ચર્ચા થઇ હોવાના અહેવાલો છે. ભારતે પાકિસ્તાન તરફ જતા પાણીને અટકાવવાનું શરૂ કરી દીધુ છે.
ચિનાબ નદીનું પાણી અટકાવવામાં આવ્યું હતું, હવે આ નદી પરના ડેમ બગલિહારના જળાશયોની ક્ષમતા વધારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય ચિનાબ નદીના પાણીને વધુ માત્રામાં રોકવાનો છે. હાઇડ્રોપાવર કંપની અને જમ્મુ કાશ્મીર સરકારે જળાશયોંમાં જમા અવરોધોને દૂર કરવાનું શરૂ કરી દીધુ છે. ભારતે ચિનાબ નદીનું પાણી રોકી લીધુ છે જેને પગલે આ નદીના ડેમના આગળના ભાગનું પાણી હવે ખાલી થઇ ગયું છે. આ ખાલી નદીને જોવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા. સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું હતું કે વર્ષોથી આ નદી ભારે પૂરની જેમ વહેતી હતી હવે અહીંયા પાણી નથી તે જોઇને આશ્ચર્ય થઇ રહ્યું છે.
પહલગામ હુમલાને ૧૩ દિવસ વીતી ગયા છે, ત્યારે આતંકીઓની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. એવામાં આ હુમલાને લઇને નવા ખુલાસા થઇ રહ્યા છે. આતંકીઓને મદદ કરનારા પૂર્વ સ્લીપર સેલના સભ્યએ દાવો કર્યો હતો કે સ્લીપર સેલની મદદ વગર પહલગામ જેવો હુમલો શક્ય નથી. આ સ્લીપર સેલના ચારથી પાંચ સભ્યો આતંકીઓના સંપર્કમાં હતા. એક મહિના પહેલા જ સ્લીપર સેલના સભ્યો અને આતંકીઓ વચ્ચે વાતચીત થઇ ચુકી હશે. કાશ્મીરના રહેવાસી આ સ્લીપર સેલના સભ્યને બે વર્ષની કેદ થઇ હતી, જોકે બાદમાં તેને સુધારા માટે છોડી દેવાયો હતો. હવે તે કાશ્મીરમાં સક્રિય સ્લીપર સેલની પોલ ખોલી રહ્યો છે. હાલ આવા સ્લીપર સેલના સભ્યોની પોલીસ-સેના શોધખોળ કરી રહી છે. પહલગામમાં આતંકીઓને હુમલા માટે મદદ કરનારો એક યુવક ધરપકડથી બચવા માટે એક નદીમાં કુદી ગયો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે.
આ યુવકનું નામ ઇમ્તિયાઝ અહમદ હતું, પહલગામના હુમલાખોરોને તેણે મદદ કરી હોવાના તેના પર આરોપો હતા. સુરક્ષાદળોએ તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે કસ્ટડીમાંથી છટકીને યુવક એક નદીમાં કુદી ગયો હતો.
પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત
આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારતને પૂર્ણ સમર્થન : પુતિન
- રશિયાના રાષ્ટ્રપતિએ ઉચ્ચ-સ્તરીય બેઠક માટે ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું
નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને પહલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આતંક વિરૂદ્ધ ભારતને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને ૮૦મા વિજય દિવસની શુભકામનાઓ આપવાની સાથે વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. ક્રેમલિનના નિવેદન મુજબ, પુતિને પીએમ મોદીના આમંત્રણને સ્વીકાર્યું છે. તેઓ વાર્ષિક ઉચ્ચ-સ્તરીય બેઠક માટે ભારતની મુલાકાત લેશે. ટેલિફોનિક વાતચીત દરમિયાન પુતિને આતંકવાદની વિરૂદ્ધની લડાઈમાં ભારતને પૂર્ણ સમર્થનની વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કડક સજા મળવી જોઈએ. ભારત-રશિયાના સંબંધો બાહ્ય દબાવોથી મુક્ત હોવાનું તેમણે ઉમેર્યું હતું. પુતિન અને પીએમ મોદીની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે નિવેદન આપ્યું હતું કે, રશિયા, ચીન અને પશ્ચિમના દેશો ભારત-પાકિસ્તાન તણાવ બાબતે સકારાત્મક રોલ નિભાવી શકે છેે.