MMS કાંડઃ વિદ્યાર્થીનીઓને મોઢું ખોલશે તો વીડિયો લીક કરી દેશે તેવી ધમકીઓ મળી
- પરેશાન વિદ્યાર્થીનીઓ પોલીસ અને મીડિયા સામે આવવાનું ટાળી રહી છે
ચંદીગઢ, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર
પંજાબના મોહાલી ખાતે આવેલી ચંદીગઢ યુનિવર્સિટીની 60થી પણ વધારે વિદ્યાર્થીનીઓના MMS વીડિયો વાયરલ થવા મામલે તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસના 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અન્ય એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સાથે જ 24મી સપ્ટેમ્બર સુધી યુનિવર્સિટી પણ બંધ કરી દેવામાં આવી છે જેથી અનેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે રવાના થવા લાગ્યા છે.
આ સમગ્ર કેસ મામલે તપસા કરવા માટે એક SITની રચના કરવામાં આવી છે. જોકે તેમ છતાં પણ પીડિત વિદ્યાર્થીનીઓની મુશ્કેલીનો કોઈ અંત નથી જણાઈ રહ્યો. એક અહેવાલ પ્રમાણે ચંદીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓને કેનેડાથી કોલ આવી રહ્યા છે. આ કોલ્સમાં કોઈ યુવક વિદ્યાર્થીનીઓને મોઢું બંધ રાખવા માટે ધમકી આપી રહ્યો છે. સાથે જ જો તેઓ કશું પણ જાહેર કરશે તો તે યુવતીના વીડિયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી રહ્યો છે. વિદ્યાર્થીનીઓને વિદેશથી +1 (204) 819-9002 નંબર પરથી ધમકીભર્યા કોલ આવી રહ્યા છે.
જે વિદ્યાર્થીનીઓને આ પ્રકારે ધમકીભર્યા કોલ આવી રહ્યા છે તે ખૂબ જ પરેશાન છે અને તેઓ પોલીસ અને મીડિયા સામે આવવાનું ટાળી રહી છે. યુનિવર્સિટીએ આ કેસમાં 2 હોસ્ટેલ વોર્ડનને સસ્પેન્ડ કર્યા છે તથા SITની સાથે ચંદીગઢ યુનિવર્સિટી પણ આ કેસની તપાસ કરી રહી છે.
વધુ વાંચોઃ મોહાલી વીડિયો લીક કેસમાં 2 વોર્ડન સસ્પેન્ડ, 6 દિવસ સુધી કેમ્પસ રહેશે બંધ
મોહાલી SSPએ અનેક વિદ્યાર્થીનીઓના વીડિયો લીક થયા હોવાના સમાચારને અફવા ગણાવ્યા હતા અને વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોવાના સમાચારને પણ ખોટા ગણાવ્યા હતા. તેમણએ આરોપી વિદ્યાર્થીનીનો ફોન ફોરેન્સ્કિ તપાસ માટે મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.