જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ

Jaisalmer News: રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના લાઠી વિસ્તારમાં સૈન્ય અભ્યાસ દરમિયાન એક મિસાઈલ પોતાના નક્કી ટાર્ગેટથી ચૂકી ગઈ અને ભાદરિયા ગામમાં આવીને પડી, જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. મિસાઈલ પડતા જ વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેનાથી ગામલોકોમાં ડર ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ અને ન કોઈ પ્રકારનું મોટું નુકસાન થયું.
મળતી માહિતી અનુસાર, સેના તરફથી લાઠી વિસ્તારમાં આવેલા ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં અભ્યાસ દરમિયાન આ મિસાઈલ ચલાવવામાં આવી હતી. અભ્યાસનો ઉદ્દેશ્ય જમીનથી હવામાં ટાર્ગેટને નિશાન બનાવવાનો હતો, પરંતુ મિસાઈલ મિસ-ટાર્ગેટ થઈને નક્કી ટાર્ગેટથી 500 મીટર પહેલા પડી ગઈ.
ગામલોકોએ જણાવ્યું કે, મિસાઈલ ગામના ખેતરમાં આવીને પડી, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો. આ સમયે આસપાસના વિસ્તારોમાં થોડો સમય ધૂળ અને ધુમાડો જોવા મળ્યો. સદનસીબે જે જગ્યા પર મિસાઈલ પડી ત્યાં આસપાસમાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, નહીંતર મોટી દુર્ઘટના બની હોત.
ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે ગામલોકો અને સેનાના અધિકારીઓ પહોંચ્યા
મિસાઈલ પડવાનો અવાજ સાંભળતા જ મોટી સંખ્યામાં ગામલોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ તાત્કાલિક સેનાના અધિકારીઓને માહિતી આપી. થોડીવારમાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વિસ્તારને ઘેરી લીધો. ગામલોકોના અનુસાર, સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. પ્રાથમિક તપાસમાં એ માનવામાં આવી રહ્યું છે કે, મિસાઈલની ગાઈડેન્સ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી આવી હતી. જો કે, આ અંગે ઊંડાણપૂર્વક તપાસ આદરી દેવાઈ છે.

