Get The App

અમેરિકાના દબાણમાં ચાબહાર પોર્ટ છોડશે ભારત? કોંગ્રેસના આરોપ બાદ વિદેશ મંત્રાલયે શું કહ્યું

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાના દબાણમાં ચાબહાર પોર્ટ છોડશે ભારત? કોંગ્રેસના આરોપ બાદ વિદેશ મંત્રાલયે શું કહ્યું 1 - image


Chabahar port controversy : કોંગ્રેસે શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના દબાણમાં આવીને ઈરાનના ચાબહાર પોર્ટને ખાલી કરી દીધો છે. કોંગ્રેસે પોતાના 'X' (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર દાવો કર્યો કે, મોદી સરકારે ચાબહાર પ્રોજેક્ટમાં દેશની જનતાના 120 મિલિયન ડૉલર (આશરે ₹1100 કરોડ) રોક્યા હતા અને હવે આ નાણાં પાણીમાં ગયા છે. અમેરિકા સામે નમીને ભારતે અહીં પોતાની કામગીરી અટકાવી દીધી છે. 

વિદેશ મંત્રાલય દ્વારા ખંડન

કોંગ્રેસના આ આરોપોનું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સત્તાવાર રીતે ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ઈરાનના ચાબહાર પોર્ટની યોજના કાર્યરત છે અને તેને આગળ વધારવા માટે ભારત અને અમેરિકા વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધો છતાં ભારતને ચાબહાર પોર્ટનું કામ ચાલુ રાખવા માટે વિશેષ 'સેન્ક્શન એક્ઝેમ્પશન' (પ્રતિબંધોમાંથી છૂટ) આપી છે, જેની મુદત 26 એપ્રિલ 2026 સુધી છે.

ભારતને મળેલું એક્સટેન્શન

અમેરિકી સરકારે ગત વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ચાબહાર પોર્ટ માટે 2018માં આપેલી છૂટ પરત ખેંચી લીધી હતી. જોકે, રાજદ્વારી પ્રયાસો બાદ ભારતને 27 ઑક્ટોબર 2025 સુધી વેપાર કરવાની છૂટ મળી હતી. આ સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં જ અમેરિકાએ તેને વધુ 6 મહિના માટે લંબાવી દીધો છે. હવે આ છૂટ 26 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. રણધીર જાયસવાલે જણાવ્યું કે, ઑક્ટોબર 2025માં અમેરિકાના ટ્રેઝરી વિભાગે ભારતને પત્ર મોકલીને આ અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા.

અમેરિકા શા માટે ઈરાન પર દબાણ વધારવા માંગે છે?

આર્થિક નાકાબંધી: અમેરિકા ઈરાન પર આર્થિક અને રાજકીય દબાણ લાવવા માટે તેના બંદરો પર પ્રતિબંધો લાદે છે.

પરમાણુ કાર્યક્રમ: અમેરિકાનું માનવું છે કે ઈરાન તેલ વેપાર અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાંથી મળતા ફંડનો ઉપયોગ પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો વિકસાવવા માટે કરે છે.

પ્રાદેશિક પ્રભાવ: પશ્ચિમ એશિયામાં ઈરાનનો વધતો પ્રભાવ રોકવા માટે અમેરિકા તેના આવકના સ્ત્રોતો મર્યાદિત કરવા માંગે છે.

મેક્સિમમ પ્રેશર નીતિ: 2018માં પરમાણુ સમજૂતીમાંથી બહાર નીકળ્યા બાદ અમેરિકા ઈરાન વિરુદ્ધ આ કડક નીતિ અપનાવી રહ્યું છે.

ચાબહાર પોર્ટથી ભારતને થતાં રણનીતિક ફાયદા

પાકિસ્તાન વગર સેન્ટ્રલ એશિયા સુધી પહોંચ: ભારતને અફઘાનિસ્તાન કે મધ્ય એશિયાના દેશોમાં સામાન મોકલવા માટે પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડતું નથી. આનાથી સમય અને નાણાં બંનેની બચત થાય છે.

વેપારમાં વૃદ્ધિ: ચાબહાર દ્વારા ભારત દવાઓ, ખાદ્ય સામગ્રી અને ઔદ્યોગિક ઉત્પાદનો સરળતાથી નિકાસ કરી શકે છે. આ પોર્ટ લોજિસ્ટિક ખર્ચ ઘટાડવામાં પણ મદદરૂપ છે.

ચીન-પાકિસ્તાનનું કાઉન્ટર: ચાબહાર બંદર, પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ(જ્યાં ચીનનું મોટું રોકાણ છે)ની ખૂબ નજીક છે. આ ભારતને રણનીતિક રીતે મજબૂત બનાવે છે અને ચીન-પાકિસ્તાનના ગઠબંધન સામે સંતુલન જાળવે છે.