મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર, ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ રાજસ્થાનના
બર્નીહાટનો વાયુ ગુણવત્તા સૂચકાંક ૩૧૧ નોંધવામાં આવ્યો હતો.
દસ પ્રદૂષિત શહેરોમાં કોટા, ઝુંઝનુ, કરૌલી, ભિવાડી અને દૌસાનો સમાવેશ
નવી દિલ્હી,૨ મે,૨૦૨૫,શુક્રવાર
દેશમાં મેઘાલયનું બર્નીહાટનું વાયુ પ્રદૂષણ સૌથી ઉચ્ચતમ સ્તરે રહયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૧ મે ૨૦૨૫ના રોજ આંકડા બહાર પાડવામાં આવેલા જેમાં જણાવ્યા અનુસાર બર્નીહાટનો વાયુ ગુણવત્તા સૂચકાંક ૩૧૧ નોંધવામાં આવ્યો હતો. પ્રદૂષણ મામલે ગુરુગ્રામ બીજા સ્થાને રહયું હતું જેનો એકયૂઆઇ ૨૪૯ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામની હવામાં ૨૧ અંક જેટલો નજીવો સુધારો જોવા મળ્યો છે.
રાજસ્થાનના અનેક શહેરોમાં વાયુ ગુણવત્તા દૂષિત જોવા મળી હતી જેમ કે રાજસ્થાનના ગંગાનગરમાં એકયૂઆઇ ૨૩૯ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. નાગૌર ૨૩૩ અંક સાથે ચોથા સ્થાને જયારે હનુમાનગઢ પાંચમા સ્થાને રહયું હતું. આવી જ રીતે દેશના સૌથી દસ પ્રદૂષિત શહેરોમાં કોટા, ઝુંઝનુ, કરૌલી, ભિવાડી અને દૌસા સામેલ છે. રુઝાનો પર નજર નાખીએ તો બર્નીહાટ ગુરુગ્રામને છોડીને દેશના ૧૦ પ્રદૂષિત શહેરોમાં રાજસ્થાનના ૮ છે.
સીપીસીબીના આંકડા અનુસાર એ પણ બહાર આવ્યું છે કે કોટાની હવામાં પ્રદૂષણ કણ ૨.૫ પીએમ હાવી રહયા હતા. જયારે ગુરુગ્રામમાં ઓઝોનનું સ્તર નકકી કરેલા માનકો કરતા અનેક ગણું વધારે હતું.આ દરમિયાન દિલ્હીનું ઓઝોન પ્રદૂષણ પણ મુખ્યકારક રહયું હતું. આંકડા મુજબ દેશમાં વાયુ પ્રદૂષણમાં ૨૭ ટકા જેટલો ઘટાડો થયો છે. બીજી તરફ દેશમાં નાગપટ્ટીનમની હવા સૌથી સ્વચ્છ હતી જેનો એકયૂઆઇ ૨૦ જેટલો નોંધાયો હતો.
આથી જો બર્નીહાટની સરખામણી નાગાપટ્ટીનમ સાથે કરવામાં આવે તો બર્નીહાટની હવા ૧૫ ગણી વધારે અસ્વચ્છ છે. નાગપટ્ટીનમની જેમ ૩૮ જેટલા અન્ય શહેરોમાં પણ હવા સાફ છે. આ શહેરોમાં હલ્દિયા, હુબલી, કલબુર્ગી, કટિહાર, મદિકેરી, મદુરે, મીરા, ભાયંદર, પાલકાલાઇપેરુર, પોડ્ડીચેરી, પુડુકોટ્ટઇ, રાયપુર, રાયરંગપુર, રાજમહેન્દ્રવરમ, રામનાથપુરમ, શિવમોગા, સિલચર, શિવસાગર, સુરત, તંજાવુર, તિરુચિરાપલ્લી, તિરુનેલવેલી, વાપી, વિરુઘુનગર અને વૃંદાવનનો સમાવેશ થાય છે.