કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Municipal Elections: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. રાજ્યની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ખાસ કરીને મુંબઈ અને પુણેમાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્તા મેળવવા માટે વર્ષોથી અલગ પડેલા પરિવારો અને કટ્ટર હરીફ ગણાતા પક્ષો જૂના વિવાદો બાજુ પર મૂકીને ફરી હાથ મિલાવી શકે છે. 15 જાન્યુઆરીએ યોજાનાર આ મતદાન પહેલા દિગ્ગજ નેતાઓની આ નિકટતાએ રાજ્યના રાજકીય તાપમાનમાં ધરખમ વધારો કર્યો છે.
પુણેમાં NCPના બંને જૂથો એક થશે?
પુણે અને પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકામાં ભાજપને રોકવા માટે શરદ પવાર અને અજિત પવારના નેતૃત્વ હેઠળની બંને NCP એકસાથે ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. આ અંગે બંને જૂથો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જો 'ચાચા-ભત્રીજા' (શરદ અને અજિત પવાર) ફરી એક મંચ પર આવશે, તો પુણેનું રાજકીય ચિત્ર સંપૂર્ણ બદલાઈ જશે.
મુંબઈમાં ઠાકરે ભાઈઓની 'જુગલબંધી'
બીજી તરફ, મુંબઈમાં શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે (MNS) પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે પણ ગઠબંધન લગભગ નક્કી મનાઈ રહ્યું છે. બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. રાજ ઠાકરેએ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જાહેરાત કરવાનો આગ્રહ રાખ્યો છે. લાંબા સમય બાદ બંને ભાઈઓ ચૂંટણી મેદાનમાં સાથે ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
મહાયુતિની બેઠકો પર મંથન
સત્તાધારી 'મહાયુતિ'(ભાજપ-શિવસેના-NCP અજિત પવાર જૂથ)માં પણ બેઠકોની વહેંચણીને લઈને મુંબઈમાં મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. દાદર સ્થિત ભાજપ કાર્યાલયમાં યોજાનારી આ બેઠકમાં ભાજપ તરફથી આશિષ શેલાર, અમિત સાટમ અને શિવસેના(શિંદે જૂથ) તરફથી ઉદય સામંત અને રાહુલ શેવાળે જેવા નેતાઓ સામેલ થશે. જોકે, આ બેઠકમાં અજિત પવારનું જૂથ સામેલ થશે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રીએ છાતી ઠોકીને ભ્રષ્ટાચારની સલાહ આપી, MP-MLAને કહ્યું- 5, 10 ટકા કમિશન લો
વિપક્ષી છાવણીમાં હલચલ
શરદ પવાર જૂથની NCP શિવસેના(UBT) સાથે જશે કે કોંગ્રેસ સાથે, તેનો નિર્ણય આજે મુંબઈમાં સુપ્રિયા સુલે અને અન્ય વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવામાં આવશે. રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે 15 જાન્યુઆરી, 2026ના રોજ મતદાન થવાનું છે, ત્યારે આ નવા ગઠબંધનો મહારાષ્ટ્રના રાજકારણમાં નવી દિશા નક્કી કરશે.









