ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની પુત્રીનું કાર નીચે કચડાતાં મોત, મેરઠની હચમચાવતી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meerut: ઉત્તર પ્રદેશના મેરઠમાં મંગળવારે રાત્રે એક હચમચાવતી ઘટના ઘટી હતી. નૌચંડી મેળામાં ફુગ્ગા વેચવા આવેલા રાજસ્થાનના એક પરિવારની માસૂમ બાળકીને કારે ટક્કર મારીને કચડી નાખી. આ બાળકી રસ્તા કિનારે રમી રહી હતી. આ દુર્ઘટનામાં બાળકીનું મોત થઈ ગયું છે. ઘટના બાદ પોલીસે કાર ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો છે.
ફુગ્ગા વેચીને જીવન ગુજરાન કરતી મહિલાની દીકરીને કારે કચડી નાખી
આ સમગ્ર મામલો મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નૌચંડી મેળાના ગેટનો છે, જ્યાં રાજસ્થાનના રહેવાસી જયવીર 26 મેના રોજ પોતાની વૃદ્ધ માતા કરણી દેવી, પત્ની સવિતા અને બાળકો સાથે આવ્યો હતો. પરિવાર ફુગ્ગા અને રમકડાં વેચીને ગુજરાન ચલાવે છે. મંગળવારે રાત્રે 10:30 વાગ્યે, જયવીરની 2 વર્ષની પુત્રી કાજલ તેની દાદી સાથે એક શોરૂમ પાસે રસ્તાના કિનારે રમી રહી હતી. આ દરમિયાન એક ઈકો સ્પોર્ટ કારે આ બાળકીને ટક્કર મારી દીધી.
ટક્કર માર્યા બાદ કાર ડ્રાઈવર કાર છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. ઘાયલ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ અકસ્માત બાદ પીડિત પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પીડિત પરિવારે હોબાળો મચાવતા પોલીસ એક્શનમાં
બાળકીના મૃત્યુ બાદ પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ એક્શનમાં આવી. થોડી જ વારમાં ગાડી કબજે કરી લીધી અને ડ્રાઈવરને પણ ઝડપી પાડ્યો છે. પોલીસે મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ઈકો સ્પોર્ટ કારે બાળકીને ટક્કર મારી
આ સમગ્ર મામલે મેરઠના એસપી સિટી આયુષ વિક્રમે જણાવ્યું કે, 'રાઘવ કુંજ નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કોલોની છે. નજીકમાં જ નૌચંડી મેળો ચાલી રહ્યો છે, જ્યાં કેટલાક લોકો સામાન વેચે છે. તેમાંથી જ એક વ્યક્તિ જે ફુગ્ગા વેચી રહ્યો હતો, તેમની પુત્રી નજીકમાં રમી રહી હતી. આ દરમિયાન છોકરીને ઈકો સ્પોર્ટ કારથી ટક્કર લાગી ગઈ. છોકરીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.'
આ પણ વાંચો: 4 કલાક જિમ, કોઈ ટ્રેનર નહીં… ફૉજી બનવા માટે સલમાન ખાન લઈ રહ્યો છે ખાસ ટ્રેનિંગ
ડ્રાઈવર અને ગાડી પોલીસે કસ્ટડીમાં
હાલમાં આરોપી ડ્રાઈવર અને ગાડી પોલીસે કસ્ટડીમાં છે. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.








