India

Explainer: 15 ટુકડા કરી પતિને સિમેન્ટના ડ્રમમાં દાટી દેનારા મુસ્કાન-સાહિલનું પાપ પોકાર્યું, કોર્ટે મહાભારતના ઉલ્લેખ કરીને આપી ફાંસીની સજા

By GS Team
14 Oct 20265 mins read
TukuTouch Logo
મેરઠના બ્લુ ડ્રમ હત્યા કેસમાં દોઢ વર્ષની કાનૂની લડત બાદ ન્યાયનો વિજય થયો છે. પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલે મર્ચન્ટ નેવીના પતિ સૌરભની હત્યા કરી, શરીરના 15 ટુકડા કરી સિમેન્ટના ડ્રમમાં દાટ્યા હતા. મેરઠ કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણી બંને આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. ચુકાદા બાદ કોર્ટમાં 'ભારત માતા કી જય' ના નારા લાગ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: 15 ટુકડા કરી પતિને સિમેન્ટના ડ્રમમાં દાટી દેનારા મુસ્કાન-સાહિલનું પાપ પોકાર્યું, કોર્ટે મહાભારતના ઉલ્લેખ કરીને આપી ફાંસીની સજા
AI તસવીર

Meerut Blue Drum Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠને હચમચાવી મૂકનાર અત્યંત ક્રૂર 'બ્લૂ ડ્રમ' હત્યા કેસમાં દોઢ વર્ષની લાંબી કાનૂની લડત બાદ આખરે ન્યાયની જીત થઈ છે. પ્રેમ, વિશ્વાસઘાત અને હેવાનિયતની તમામ હદો વટાવી જનાર આ કેસમાં એક પત્નીએ પોતાના જૂના પ્રેમી સાથે મળીને મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવતા પતિની હત્યા કરીને તેના શરીરના 15 ટુકડા કરીને તેને સિમેન્ટના ડ્રમમાં દાટી દીધો હતો. લગભગ 16 મહિના સુધી ચાલેલી ટ્રાયલ બાદ કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર’ (દુર્લભમાં દુર્લભ) ગણાવીને બંને ગુનેગારોને કાયદાની સૌથી કડક એવી મૃત્યુદંડ (ફાંસી) ની સજા ફટકારી છે. દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં અત્યાર સુધી શું-શું બન્યું, ચાલો જાણીએ.

પ્રેમ લગ્નથી લઈને હત્યાના કાવતરા સુધીની સફર

સૌરભ રાજપૂત અને મુસ્કાન રસ્તોગીએ વર્ષ 2016 માં પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને પીહુ નામની એક દીકરી પણ છે. સૌરભ લંડનમાં મર્ચન્ટ નેવીમાં કામ કરતો હોવાથી તે મોટાભાગે વિદેશમાં રહેતો હતો. આ સમયગાળા દરમિયાન મુસ્કાને તેના જૂના પ્રેમી સાહિલ શુક્લા સાથે ફરી સંપર્ક વધાર્યો.

  • 24 ફેબ્રુઆરી, 2025 ના રોજ સૌરભ લંડનથી મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર સ્થિત પોતાના ઘરે પરત ફર્યો.
  • 25 ફેબ્રુઆરીએ પત્ની મુસ્કાનનો અને 28 ફેબ્રુઆરીએ દીકરી પીહુનો જન્મદિવસ પરિવાર સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ પારિવારિક સમય વિતાવ્યા બાદ જ પત્ની અને તેના પ્રેમીએ સૌરભની હત્યા કરવાનું ખૌફનાક કાવતરું ઘડ્યું.

3 માર્ચની એ કાળી રાતે હચમચાવી નાખનારી ક્રૂરતા આચરી

  • 3 માર્ચ, 2025 ના રોજ મુસ્કાને સૌરભના જમવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. સૌરભ બેહોશ થતાં જ તેણે સાહિલને ઘરે બોલાવ્યો.
  • બંનેએ મળીને સૌરભના હૃદય અને ગળામાં છરીના ઘા ઝીંકી તેની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી નાખી.
  • બીજા દિવસે, 4 માર્ચે બંનેએ સૌરભના મૃતદેહના આશરે 15 ટુકડા કર્યા. માથું, હાથ અને ધડને અલગ કરીને વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકવામાં આવ્યા અને તેને સિમેન્ટ તથા રેતીથી સીલ કરી દેવામાં આવ્યું.
  • એ પછી મુસ્કાન પોતાની દીકરીને પિયર મૂકીને 5 માર્ચે સાહિલ સાથે શિમલા અને મનાલી ફરવા જતી રહી. ગુના પર પડદો પાડવા તેઓ ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો પોસ્ટ કરીને બધું સામાન્ય હોવાનો ડોળ કરતા રહ્યા અને સૌરભના ફોનથી મેસેજ કરીને પરિવારને છેતરતા રહ્યા.

દુર્ગંધે ખોલ્યો ગુનાનો ભેદ

  • 17 માર્ચે બંને હિમાચલથી પરત ફર્યા એ પછી મુસ્કાને પોતાના પરિવાર (પિયર પક્ષ) ને આ ઘટના અંગે થોડી જાણ કરી.
  • 18 માર્ચે ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સૌરભના ભાઈ રાહુલે પોલીસ ફરિયાદ નોંધાવી.
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા વાદળી ડ્રમમાંથી સૌરભના મૃતદેહના ટુકડા મળી આવ્યા.
  • 19 માર્ચ, 2025 ના રોજ પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી તેમને મેરઠ જિલ્લા જેલમાં મોકલી આપ્યા. આ સમયગાળા દરમિયાન કોર્ટમાં રજૂ કરતી વખતે વકીલો દ્વારા સાહિલ પર હુમલો પણ કરવામાં આવ્યો.
  • પોલીસે 12 મે, 2025 ના રોજ લગભગ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી.
  • નવેમ્બર, 2025 માં મુસ્કાને જેલમાં જ પોતાની બીજી પુત્રીને જન્મ આપ્યો.

13 મહિનાની લાંબી ટ્રાયલ દરમિયાન મજબૂત પુરાવા રજૂ કરાયા

જુલાઈ 2025 માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાની કોર્ટમાં આ કેસની ટ્રાયલ શરૂ થઈ, જે લગભગ 13 થી 16 મહિના સુધી ચાલી. આ સમયગાળામાં કુલ 126 સુનાવણીઓ યોજાઈ. ફરિયાદ પક્ષ દ્વારા કુલ 22 સાક્ષી રજૂ કરવામાં આવ્યા, જેમાં હત્યામાં વપરાયેલી છરી, વાદળી ડ્રમ અને અન્ય વસ્તુઓ વેચનાર દુકાનદારો, તેમજ આરોપીઓની હિલચાલ સાબિત કરવા માટે હોટલ મેનેજરો અને કેબ ડ્રાઇવરોનો પણ સમાવેશ થાય છે. પોલીસે ફોરેન્સિક પુરાવા અને મોબાઇલ ફોન લોકેશનના આધારે કેસ મજબૂત બનાવ્યો. 21 એપ્રિલ, 2026 ના રોજ આરોપીઓની પૂછપરછ થઈ જેમાં બંનેએ આરોપો નકાર્યા, પરંતુ 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા.

સૌરભના પરિવારે દીકરીની કસ્ટડીની માંગ કરી

સૌરભનો પરિવાર ક્યારેય કોર્ટના પગથિયાં ચડ્યો ન હતો, પરંતુ આ કેસમાં તેમણે દોઢ વર્ષ સુધી મજબૂત કાનૂની લડત લડી. સુનાવણી દરમિયાન જ્યારે સૌરભના પરિજનો બંને આરોપીઓને રૂબરૂ મળ્યા ત્યારે તેમના ચહેરા પર પસ્તાવાના કોઈ જ ભાવ ન હતા અને તેઓ આંખ મિલાવવાનું પણ ટાળતા હતા. ચુકાદા બાદ સૌરભની માતાએ રડતી આંખે ન્યાયતંત્ર અને સાક્ષીઓનો આભાર માન્યો. મુસ્કાનની ધરપકડ થઈ ત્યારથી તેની દીકરી પીહુ એના નાના-નાની સાથે રહેતી હતી. સૌરભના પરિજનોને પીહુને મળવા પણ નહોતા દેવાતા. સૌરભની માતાએ જણાવ્યું કે જો પીહુના નાના-નાની સંમત થાય તો તેઓ તેને પોતાની પાસે રાખીને ઉછેરવા માંગે છે.

ન્યાયાધીશે મહાભારતના ઉલ્લેખ સાથે માર્મિક ટિપ્પણી કરી

આજે 14 ઓક્ટોબર, 2026 ના રોજ આ બહુચર્ચિત કેસમાં સજાનો અંતિમ ચુકાદો આપવામાં આવ્યો હતો. બંને આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ કોર્ટરૂમમાં ચુકાદો વાંચવાનું શરૂ કરતા પહેલા એક અત્યંત માર્મિક અને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી કે, ‘સજા પણ એક ધર્મ છે.’ તેમણે મહાભારતનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ કર્યું કે ગુનેગારોને સજા આપવી એ પણ એક ધાર્મિક ફરજ છે. પોતાના જ નજીકના સંબંધીઓને મારવા જેવો જઘન્ય ગુનો કરનારાઓને કડકમાં કડક સજા મળવી જોઈએ, જેથી સમાજમાં એવો કઠોર સંદેશ જાય કે આવા કૃત્યો કરનારને કાયદો ક્યારેય બક્ષશે નહીં.

બંને આરોપીઓ સજા સાંભળીને રડી પડ્યા, કોર્ટમાં ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા

આ ઐતિહાસિક ટિપ્પણી સાથે કોર્ટે બંને દોષિતો (મુસ્કાન અને સાહિલ) ને મૃત્યુદંડ (ફાંસી) ની સજા ફટકારી હતી. અગાઉ સમગ્ર સુનાવણી દરમિયાન પોતાના ગુનાનો કોઈ જ પસ્તાવો ન દર્શાવનાર મુસ્કાન અને સાહિલ મોતની સજા સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ચુકાદો જાહેર થતાં જ કોર્ટરૂમનું વાતાવરણ ગરમાયું હતું અને ત્યાં હાજર લોકોએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. કોર્ટમાં હાજર રહેલા સૌરભના ભાઈ અને માતાની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા હતા, અને આખરે દોઢ વર્ષના સંઘર્ષ બાદ તેમને ન્યાય મળ્યાનો સંતોષ અનુભવાયો હતો.